તાંત્રિકનું બે બહેનો પર દુષ્કર્મ:ગણદેવીની સગીરા સાથે તાંત્રિક વિધિમાં જ લગ્ન કરી સુહાગરાતના નામે દુષ્કર્મ આચર્યું, ગર્ભવતી હોવાની જાણ થતા અપહરણ પણ કર્યું

0
42
  • તાંત્રિક વિષ્ણુની કામવાસનાનો શિકાર બનેલી બંને બહેન ગર્ભવતી છે
  • આરોપી તાંત્રિકે 14 લગ્ન કર્યા હોવાની પણ પોલીસ સામે કબૂલાત કરી

નવસારીના ગણદેવીની બે બહેનો પર નંદુરબારના તાંત્રિક વિષ્ણુ મહારાજે દુષ્કર્મ આચર્યું હતું. જેમાં તાંત્રિક અને તેના બે સેવકોની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં જાણવા મળ્યું હતું કે, બે બેહનો પૈકી નાની અને સગીર બહેર પર તાંત્રિક વિધિમાં જ લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ સુહાગરાતના નામે દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં બંને બહેનો ગર્ભવતી હોવાની જાણ થતા નાની બહેનનું અપહરણ પણ કર્યું હતું. જોકે, પોલીસે નાની બહેનને છોડાવી લીધી હતી.

તાંત્રિકે ડર બતાવતા બે દીકરીઓના પિતા ગભરાઈ જતા ભોગ બન્યા
ગણદેવી પંથકના એક ગામમાં વસતા અને નાસ્તાની લારી ચલાવી જીવનનિર્વાહ ચલાવતો પરપ્રાંતીય પરિવારમાં પતિ-પત્ની અને તેમની ચાર પુત્રીઓ સાથે રહે છે. બે પુત્રી પરિણીત હતી, જેમાંથી એક પુત્રી પિયર પરત ઘરે આવી ગઈ હતી અને જેને એક સંતાન છે. એક દીકરીના સંસારમાં મુસીબત આવતા પિતા દુઃખી હતા. તેણે તેના દુઃખ વિશે તેના મિત્ર સુરેશ રામસેવક પટેલ (ઉ.વ. 30, રહે.માણેકપોર, ચીખલી)ને જણાવી હતી. સુરેશ દુઃખી પિતા પાસેથી પૈસા ખંખેરવા તેને અંધશ્રદ્ધાની બીક બતાવી તાંત્રિક વિષ્ણુ ચતુર નાઈક (ઉ.વ. 37, રહે. લાખાપોર, તા. તળોદા, જિ.નંદુરબાર, મહારાષ્ટ્ર) પાસે લઈ ગયો હતો. જ્યાં આ લંપટ તાંત્રિકે તેને તેના ઘરમાં શેતાન વાસ કરે છે, જે તારી દીકરીઓના સંસાર ટકવા નહીં દે એવી બીક બતાવતા લાચાર પિતા તેની વાતોમાં આવી ગયો હતો.

મોટી દીકરીએ ફરી તાંત્રિક વિધિમાં જવાની ના કરી દીધી હતી
ઘરમાં રહેલા શેતાનના ઉપાય માટે વાત કરતા આ તાંત્રિકે તેને વિધિ કરવા જણાવ્યું અને વિધિ પાછળ 50 હજારનો ખર્ચ થશે તેમ જણાવી આ વિધિમાં તારી પરિણીત દીકરી સાથે જ કરાવવી પડશે એવું જણાવતા પિતા તેની વાતમાં આવી ગયા હતા. દીકરીના બાપે વિધિના 49,500 તાંત્રિક વિષ્ણુના બેંક ખાતામાં ભરી પોતાની પરિણીત દીકરી જે લગ્ન બાદ પિયર આવી ગઈ હતી તેને તાંત્રિકના ઘરે મહારાષ્ટ્રના નંદુરબારમાં સોંપી આવ્યો હતો. જ્યાં અલગ-અલગ વિધિના બહાને આ તાંત્રિક અવારનવાર તેની સાથે શરીરસંબંધ બાંધી કેટલાય દિવસો સુધી વાસનાનો શિકાર બનાવી હતી. દરમિયાન દીકરીનો પિતા તેની પુત્રીને લેવા નંદુરબાર ગયો હતો. જ્યાં આ તાંત્રિકે તેને વિધિ બાકી હોય ફરી લઈ આવવા જણાવ્યું હતું પરંતુ તેણીએ ફરી જવાનો ઇનકાર કરી દીધો હતો.

નાની 17 વર્ષની બહેન સાથે તાંત્રિકે શંકર-પાર્વતી તરીકે લગ્ન કર્યા હતા
તાંત્રિકે વિધિ અધૂરી છે તેને બીજી પુત્રી પાસેથી પણ પૂર્ણ કરાવવી જ પડશે અન્યથા પરિવારમાં અનર્થ થશે એમ જણાવતા અંધશ્રદ્ધામાં સપડાયેલા પિતાએ તેની સગીર 17 વર્ષની બીજી પુત્રીને વિધિ માટે મોકલી હતી. જ્યાં સગીરને સમજાવવા તેને શેતાન ભગવવા શંકર-પાર્વતીના લગ્ન કરાવવા પડશે એમ કહી પોતે શંકર બની સગીરાને પાર્વતી હોવાનું કહીં જાણે શંકર-પાર્વતી તરીકે લગ્ન કર્યા હતા અને લગ્ન કરી લીધા હોય તે બહાને તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા અને આ વાત કોઈને નહીં કરવા જણાવ્યું હતું. જે બાદ તેણી ઘરે આવી હતી પરંતુ તાંત્રિક વિષ્ણુની કામવાસનાનો શિકાર બનેલી બંને બહેન ગર્ભવતી બની હતી.

તાંત્રિકના બે સેવકો સગીરાનું અપહરણ કરી નંદુરબાર લઈ ગયા હતા
બંને બહેનો ગર્ભવતી હોવાથી પિતા ફરિયાદ નોંધવવાના હોવાની જાણ વિષ્ણુને થઈ હતી. જેથી તેણે તેના બીજા સાગરીત અબ્દુલ રઝાક પઠાણ, (30, રહે. મહેફુઝ એપાર્ટમેન્ટ, દરગાહ રોડ, નવસારી) મારફત સગીર યુવતીને ભોળવીને તેનું અપહરણ કરી સુરેશ રામસેવક પટેલ અને અબ્દુલ રઝાક પઠાણ નંદુરબાર લઈ ગયા હતા. આ સમગ્ર ઘટના વિશે ભોગ બનનાર પિતાએ ફરિયાદ નોંધાવતા ગણદેવી પોલીસે વિષ્ણુ મહારાજ ઉર્ફે વિષ્ણુ ચતુરભાઈ નાઈક, સુરેશ રામસેવક પટેલની નંદુરબારથી ધરપકડ કરી હતી. જ્યારે અબ્દુલ રઝાક પઠાણની નવસારીથી ધરપકડ કરી હતી.

કોલ ટ્રેસ કરી મહામુસીબતે બહાર લવાયો હતો
પોલીસે જણાવ્યું હતું કે, નંદુરબારથી તાંત્રિક વિષ્ણુને લાવવો ખુબજ પડકારજનક હતું. જ્યાં મોબાઈલના સિગ્નલ પણ મળતા ન હતા. વિષ્ણુનો કોલ ટ્રેસ કરી કરી તેને સમજાવી પટાવીને તેના વિસ્તારમાંથી મહામુસીબતે બહાર લાવવામાં આવ્યો હતો, કારણકે ખુબજ અંતરિયાળ આદિવાસી વિસ્તાર હતો અને સાંજ પડે તો કંઈપણ થઈ શકે તેમ હતું એટલે સાંજ પહેલા તેને લાવવો જ પડે તેમ હતું નહીં તો તે હાથમાંથી છટકી જાય તેમ હતું. તેના મિનિટ મિનિટના લોકેશન આધારે તેને લાવવામાં સફળતા મળી હતી.

તાંત્રિક વિષ્ણુએ 14 જેટલા કહેવાતા લગ્ન કર્યા હતા
આરોપીઓએ ઘટનામાં વાપરવામાં આવેલ મોબીલીઓ કાર, એક્ટિવા, ગુના સમયે ઉપયોગમાં લેવાયેલ કપડાં સહિતનો મુદ્દામાલ કબજે લીધો હતો. રિમાન્ડ દરમિયાન આરોપી તાંત્રિક વિષ્ણુએ 14 જેટલા કહેવાતા લગ્ન કર્યા હોવાનું જણાવ્યું હતું. તે મહિલાઓને આજ રીતે ભોળવીને તેમની સાથે દુષ્કર્મ આચરતો હતો. હાલ તેની સાથે બે પત્ની અને 7 બાળકો રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here