પાર્કિન્સનથી પીડાઇ રહ્યા હોવાના અહેવાલ હતા
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુટિન આરોગ્યની સમસ્યાઓને કારણે આવતા વરસે પ્રમુખપદ છોડી દેશે એવા અહેવાલો વહેતા થયા હતા. આ અહેવાલ મુજબ રશિયાના વૈજ્ઞાનિક વેલેરી સોલોવીએે જણાવ્યા મુજબ પુટિનની પાર્કિન્સનની તકલીફ દિવસે દિવસે વધી રહી હતી.
પુટિનનાં 37 વર્ષનાં ગર્લફ્રેન્ડ એલિના કાબેચી અને એની બંને પુત્રીઓ પુટિન પર દબાણ વધારી રહ્યાં હતાં કે હવે પ્રમુખપદ છોડી દો તો સારું.
સોલોવીએ કોઇનું નામ પાડ્યા વિના કહ્યું કે પુટિન પર એક પરિવારનો ખૂબ પ્રભાવ છે. આ પરિવારે એમને સમજાવીને તૈયાર કર્યા છે કે હવે બસ કરો. 2021ના જાન્યુઆરીમાં પુટિન નિવૃત્તિની જાહેરાત કરે એવી શક્યતા હતી. સોલોવીએ કહ્યું હતું કે તાજેતરમાં પુટિનનો પાર્કિન્સન એક સમારોહમાં સૌની નજરે પડ્યો હતો જ્યારે તેમના પગ સતત ધ્રૂજતા હતા. એક વિડિયો ક્લીપમાં પુટિન પોતાના હાથની આંગળીઓના ટાચકા ફોડવાના પ્રયાસ કરતા હોય એવું પણ દેખાયું હતું.
હાલ રશિયામાં એક એવો કાયદો લાવવાનો પ્રસ્તાવ છે જેમાં તમામ ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખો સામે ક્રીમીનલ કેસ નહીં કરવાની વાત છે. પ્રમુખ જીવે ત્યાં સુધી એમને ક્રીમીનલ કેસ સામે સુરક્ષા પ્રદાન કરવાની વાત છે. જો કે હજુ આ પ્રસ્તાવ કાયદો બન્યો નથી.