ડેડ વ્લાઇ (નામીબિયા)

  0
  156

  ચા મડી તતડાવી નાખતો આકરો તડકો, આંખોને છેતરતા ઝાંઝવા, મોઢાંમાંથી અને આંખોમાંથી ભેજ છીનવી લેતી સૂકીભઠ હવા અને ચોતરફ ઉડતી ધૂળની ડમરી. આફ્રિકાના નામીબ ડેઝર્ટમાં પહોંચી જાવ તો આવો જ અનુભવ થાય. ધરતી પરની સૌથી ગરમ જગ્યાઓમાંના એક એવું આ રણ નામીબિયા દેશમાં આવેલું છે. અહીંયાના વાતાવરણનું વર્ણન કરવા માટે નિષ્ઠુર સિવાય બીજો કોઇ શબ્દ ન જડે.

  આફ્રિકા ખંડના એટલાન્ટિક મહાસાગર તરફના છેડે આવેલો નામીબિયા દેશ દુનિયાના નકશા પર આવ્યે હજુ વધારે સમય નથી વીત્યો. છેક ૧૯૬૬થી દક્ષિણ આફ્રિકાથી અલગ થવા માટે લડત ચલાવી રહેલા આ દેશને ૧૯૯૦માં આઝાદી મળી અને દક્ષિણ આફ્રિકામાંથી નામીબિયા ઉપરાંત ઝામ્બિયા અને એંગોલા દેશોનું સર્જન થયું. એક સમયે સાઉથ-વેસ્ટ આફ્રિકા નામે જાણીતો આ પ્રદેશ હવે નામીબ રણના નામ પરથી નામિબિયા નામે ઓળખાય છે. 

  નામીબનું રણ દુનિયાનું સૌથી જૂનું રણ ગણાય છે. પ્રાચીન સમયથી અહીંયા વસતી નામા જાતિના લોકોની ભાષામાં નામીબનો અર્થ થાય છે વિશાળ સ્થળ. નામ પ્રમાણે જ નામીબનું રણ આફ્રિકા ખંડના પશ્ચિમ તટે બે હજાર કિલોમીટર લાંબા પટ્ટામાં પથરાયેલું છે. આફ્રિકા ખંડના ઉત્તર છેડે તો સહારા નામનું દુનિયાનું સૌથી મોટું રણ આવેલું છે જે ઘણું જાણીતું છે. પરંતુ દક્ષિણે આવેલા નામીબ અને કલહરીના રણ ખાસ જાણીતા નથી. નામીબિયા દેશ તો વળી પાછો આ બંને રણની વચ્ચોવચ આવેલો છે. દક્ષિણ આફ્રિકાના તમામ દેશોમાં નામીબિયામાં સૌથી ઓછો વરસાદ થાય છે. 

  વિષુવવૃતની નજીક આવેલું હોવાના લીધે નામીબિયામાં વરસના ૩૦૦થી વધારે દિવસ આકરો તડકો પડે છે. અધૂરામાં પૂરું એટલાન્ટિક મહાસાગર પરથી આવતા શુષ્ક પવને આ પ્રદેશને સાવ વેરાન અને સૂકોભઠ બનાવી દીધો છે. આવા ઉજ્જડ પ્રદેશમાં પણ પ્રકૃત્તિ ચમત્કૃતિ કરવાનું ચૂકી નથી. નામીબ-નોકલુફ્ટ પાર્કની અંદર આવેલું ડેડ વ્લાઇ નામનું સ્થળ કુદરતે સર્જેલો આવો જ ચમત્કાર છે. ધરતી પરના દોઝખનો અનુભવ કરાવતા આ રણપ્રદેશમાં પણ કુદરતે અવનવા રંગો પૂર્યા છે. 

  ડેડ વ્લાઇનો શાબ્દિક અર્થ છે મૃત કળણ. કળણ એટલે કે ભીનાશ કે ભેજ ધરાવતી જમીન અને ડેડ વ્લાઇ એટલે એવી જમીન જેનો ભેજ મરી 

  પરવાર્યો છે. એક જમાનામાં અહીંયા ભીની જમીન કે પછી છીછરું જળાશય હશે પરંતુ આકરા તાપ અને સૂકા પવનોએ તમામ ભેજ ચૂસી લીધો અને જળાશયનો ભાગ ઉજ્જડ પાટ બની ગયો. ડેડ વ્લાઇની આસપાસ રેતીના વિશાળ કદના ઢૂવા આવેલા છે. ડેડ વ્લાઇની ફરતે રહેલા રેતીના ઢૂવાની ઊંચાઇ ૩૦૦થી ૪૦૦ મીટરે પહોંચે છે અને આ ઢૂવા દુનિયાના સૌથી ઊંચા ઢૂવા ગણાય છે. ઢૂવા નહીં જાણે નાનકડા ડુંગર જ જોઇ લો. 

  સફેદ ખારા પાટ તો દુનિયામાં અનેક જગ્યાએ જોવા મળી જાય પરંતુ ડેડ વ્લાઇ ખાતે આ સફેદ ખારા પાટમાં અકાસિયા એટલે કે બાવળના વૃક્ષના ઠૂંઠાં ખોડાયેલા જોવા મળે છે. વૃક્ષોના ઠૂંઠા, શ્વેત ભૂમિ અને આસપાસના રાતાચોળ ઢૂવાનો ફોટો જોયો હોય તો પહેલી નજરે તો જાણે કોઇ ચિત્રકારે અદ્ભૂત રંગો પૂરીને ચિત્ર સર્જ્યું હોય એવું જ લાગે. એક સમયે સાઉશાબ નામની નદીના પાણીથી તરબતર આ પ્રદેશમાં અનેક લીલાછમ વૃક્ષો નભતા હતાં પરંતુ આશરે ૯૦૦ વર્ષ પહેલા નદીએ વહેણ બદલ્યું અને સમગ્ર પ્રદેશ વેરાન બની ગયો. 

  ભૂતકાળમાં આ પ્રદેશમાં સારો એવો વરસાદ વરસતો હતો અને નદી પણ પાણીથી ભરપૂર રહેતી હતી અને નદીની આસપાસ અનેક કળણ સર્જાયા હતાં. કેમલ થોર્ન ટ્રી નામે ઓળખાતા વૃક્ષો સારા એવા ફૂલ્યાં ફાલ્યાં હતાં. આજે મૃત બની ચૂકેલા આ વૃક્ષોના ઠૂંઠા અને ચોમેરનો રણપ્રદેશ ભેંકારની અનુભૂતિ કરાવે છે. આશરે નવસો વર્ષ સુધી સૂરજનો આકરો તડકો વેઠયાં બાદ વૃક્ષોના ઠૂંઠાં પણ કાળા પડી ચૂક્યાં છે. વૃક્ષોનું લાકડું એટલું સૂકું થઇ ગયું છે કે સડતું પણ નથી. 

  દિવસના જુદાં જુદાં સમયે અહીંયા સાવ જુદો નઝારો જોવા મળે છે. ખાસ કરીને વહેલી સવારે શ્વેત ખારો પાટ આકાશનું પ્રતિબિંબ પાડતો ભૂરો દેખાય છે અને રેતીના ઢૂવા સૂર્ય કિરણો પડતા રાતાચોળ બની ઊઠે છે. રાત્રિના અંધકારમાં પણ ડેડ વ્લાઇની મુલાકાતે અનેક સહેલાણીઓ આવે છે. કાજળઘેરી રાતે વિશાળ ઢૂવાઓની વચ્ચે વૃક્ષોના ઠૂંઠાંની ભૂતાવળ બિહામણો અનુભવ કરાવે છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here