ડાકોરના ઇતિહાસમાં પહેલી વાર તૂટશે આ પરંપરા, નવા વર્ષે નહીં ખુલે મંદિરના દ્વાર

    0
    1

    દેશભરમાં ધામધૂમ પૂર્વક દિવાળી ઉજવવામાં આવે છે ત્યારે બેસતા વર્ષે દરેક મંદિરોમાં પૂજા કરી અન્નકુટ ધરાવવામાં આવે છે. ત્યારે આ વર્ષે કોરોનાને કારણે અનેક મંદિરો બંધ રાખવામાં આવ્યો છે તેમજ અનેક નિયમોનું પાલન કરી દર્શન કરવા મંજૂરી આપવામાં આવી છે. આ વચ્ચે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ડાકોર મંદિરમાં છેલ્લા કેટલાક વર્ષોથી બેસતા વર્ષના દિવસે ઠાકોરજીને અન્નકુટ ધરાવવામાં આવે છે. આ અન્નકુટની આસપાસના ગ્રામજનો લૂંટ ચલાવે છે. જોકે, આ વખતે કોરોના મહામારીના કારણે આ પ્રથા રદ્દ કરવામાં આવી છે. તેના બદલે મંદિરમાં બંધ બારણે પ્રતિકાત્મક રીતે અન્નકુટ ધરવામાં આવશે. જોકે, આ નિર્ણય સરપંચ અને પોલીસ વચ્ચે શુક્રવારે યોજાયેલી એક બેઠક દરમિયાન લેવામાં આવ્યો છે.

    આ અગાઉ સરપંચોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. જે મામલે હવે સમાધાન થયું છે. ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર મંદિરમાં બિરાજમાન ભગવાન રણછોડરાયના દર્શન કરીને નવા વર્ષની શરૂઆત કરતાં શ્રધ્ધાળુઓને આ વર્ષે નિરાશ થવું પડશે. મંદિર પ્રશાસન દ્વારા નવા વર્ષને દિવસે સાંજે 4 વાગ્યા પછીજ મંદિર દર્શનાર્થીઓ માટે ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

    અગાઉ કોરોના મહામારીના કારણે સોશ્યલ ડિસ્ટંન્સ સહિતના કોવિડના નિયમો ભંગ થવાના કારણે આ પ્રથા રદ્દ કરવા મંદિર અને તંત્ર વચ્ચે મડાગાંઠ ચાલતી હતી. દરમિયાનમાં આ પ્રથા રદ્દ થશે તો આસપાસના ગામના લોકો આંદોલન કરશે તેવી ચીમકી સરપંચોએ ઉચ્ચારી હતી. આખરે આ મામલે શુક્રવારે પોલીસ અને સરપંચો વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં સરપંચોએ આંદોલનનો કાર્યક્રમ પડતો મુક્યો હતો. સાથોસાથ અન્નકુટ પ્રતિકાત્મક રીતે ભગવાનને ધરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આખરે મંદિરના પ્રશાસન દ્વારા અન્નકૂટ લૂંટની પ્રથાને લઇને કોઇ અવ્યવસ્થા ન સર્જાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાની પણ ચર્ચા નગરમાં છે.

    ડાકોરમાં ભગવાન રણછોડરાય પ્રત્યે ભક્તો આસ્થા ધરાવે છે. દેશ વિદેશના અનેક ભક્તો નવા વર્ષે ભગવાનના દર્શન કર્યા બાદ તેમના ધંધા, રોજગારનો પ્રારંભ કરે છે. જોકે, આ વખતે ઠાકોરજીના દર્શન મોડા થશે. મંદિરના ઇતિહાસમાં આવો પ્રસંગ પ્રથમ વખત બનશે કે બેસતા વર્ષના દિવસે ભગવાનના દર્શન મોડા થશે.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here