જમ્મુ કશ્મીરના ઓછામાં ઓછા 33 નેતાઓના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. આ નેતાઓ વિદેશ જઇને ભારત વિરોધી પ્રચાર કરે એવી ભીતિ કેન્દ્રના વિદેશ ખાતાને હતી.
તાજેતરમાં એક નેતાને દૂબઇ જતાં રોકવામાં આવ્યા હતા એવી માહિતી વિશ્વસનીય સૂત્રે આપી હતી. આ પ્રતિબંધમાં વિભાજનવાદી નેતાઓનો પણ સમાવેશ થતો હતો.
જમ્મુ કશમીરના ત્રણે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો ડૉક્ટર ફારુખ અબ્દુલ્લા, તેમના પુત્ર ઓમર અબ્દુલ્લા અને પીડીપીના મહેબૂબા મુફ્તીનો પણ આ પ્રતિબંધમાં સમાવેશ કરાયો હતો. તાજેતરમાં ફારુખ અબ્દુલ્લાએ એવી ડંફાસ મારી હતી કે અમે ચીનની મદદથી જમ્મુ કશ્મીરમાં 370મી કલમ પાછી અમલમાં લાવશું.
મહેબૂબા મુફ્તીએ એવો પડકાર કર્યો હતો કે જમ્મુ કશ્મીરના ધ્વજને પહેલાં જેવું ગૌરવ મળે તો જ હું ભારતના રાષ્ટ્રધ્વજને હાથ લગાડીશ. આવા સંજોગોમાં આ નેતાઓ વિદેશ જઇને ભારત વિરોધી વાતો કરી આવે તો નવાઇ નહીં એવું કેન્દ્ર સરકારને લાગ્યું હતું.