ચૂંટણી પરિણામ સચોટ અને વિશ્વસનીય હશે તો હું હાર માની લઈશઃ ટ્રમ્પ

0
68

વ્હાઈટ હાઉસમાં સમર્થકો સમક્ષ ટ્રમ્પે પરાજય સ્વીકારવાનો સંકેત આપ્યો

અમેરિકાના ઈતિહાસમાં પહેલી વખત પ્રમુખપદની ચૂંટણીમાં મોટો ગોટાળો થયો હોવાનો દાવો કરીને ટ્રમ્પે બિડેન પર નિશાન સાધ્યું


અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણીમાં થયેલી ગરબડોના દાવા વચ્ચે હાર સ્વીકારી લેવાનો સંકેત આપ્યો હતો. પ્રમુખપદની ચૂંટણીમાં બિડેન સામે પરાજય થયાના એક મહિના પછી વ્હાઈટ હાઉસમાં સમર્થકોને સંબોધતી વખતે ટ્રમ્પે કહ્યું હતું કે હું ચૂંટણીમાં હાર માની લઈશ, પરંતુ એ પહેલાં પરિણામ વિશ્વસનીય છે  અને સચોટ છે એ સાબિત થવું જરૃરી છે.
વ્હાઈટ હાઉસમાં સમર્થકોને સંબોધતી વખતે ડોનાલ્ડ ટ્રમ્પે બિડેન સામે હાર સ્વીકારી લેવાનો સંકેત આપ્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે હું પ્રમુખપદની ચૂંટણીમાં હાર સ્વીકારી લઈશ, પરંતુ તે પહેલાં એ સાબિત થવું જરૃરી છે કે પરિણામો સચોટ અને વિશ્વસનીય હતા. જો એ સાબિત થઈ જશે તો હું હાર સ્વીકારવા તૈયાર છું.
ટ્રમ્પે ઉમેર્યું  હતું કે મને ચૂંટણીમાં હાર ખમવી પડે એ મારા માટે એટલું મહત્વનું નથી, પરંતુ ચૂંટણીમાં ગરબડો થાય તે બહુ મહત્વનું છે. લોકશાહીમાં ચૂંટણી પદ્ધતિ પારદર્શી હોવી જોઈએ. એમાં ગોટાળા થાય તે લોકશાહીના હિતમાં નથી. ચૂંટણીમાં મારો પરાજય થાય  તો હું સ્વીકારી લઈશ, પરંતુ ચૂંટણી પ્રક્રિયા પ્રામાણિક અને યોગ્ય હોવી જોઈએ.
ટ્રમ્પે ડેમોક્રેટિક પાર્ટીના જો બિડેનને પર નિશાન સાધતા કહ્યું હતું કે અમેરિકાના ઈતિહાસમાં પહેલી વખત પ્રમુખપદની ચૂંટણીમાં આટલો મોટો ગોટાળો થયો છે. આ અમેરિકાના લોકો સાથે થયેલી છેતરપિંડી છે. મારી પાસે પૂરતા પુરાવા છે, જે બતાવે છે કે ચૂંટણીમાં મોટા ગોટાળા સર્જાયા છે. મીડિયા, ન્યાયતંત્ર, ચૂંટણી અધિકારીઓ સહિત બધા એ વાત જાણે છે. બધા એ પણ જાણે છે કે ચૂંટણીમાં કોનો વિજય થયો હતો, પરંતુ એ અંગે કોઈ જાહેરમાં સ્વીકારતું નથી. જો ચૂંટણીના પરિણામો સચોટ સાબિત થશે તો હું મારી હાર સ્વીકારી લઈશ.
ટ્રમ્પે તેમના સમર્થકો સમક્ષ ફરી વખત ચૂંટણીમાં મોટી ગરબડ થયાનો દાવો વધુ એક વખત કર્યો હતો અને ઉમેર્યું હતું કે જો નિષ્પક્ષ રીતે મને પરાજય મળ્યો હોત તો મેં એને તરત જ સ્વીકારી લીધો હોત.
ઉલ્લેખનીય છે કે બિડેન સામે પરાજય પામ્યા પછી ટ્રમ્પ છેલ્લા એક મહિનાથી એ મુદ્દે કાયદાકીય લડત લડી રહ્યા છે. ખાસ તો ચાર રાજ્યોના મુદ્દે ટ્રમ્પે બિડેન સામે ગંભીર આરોપો લગાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here