ચીનમાં ઔદ્યોગિક હડતાળ : ચીનની સરકાર માટે આ ઘટના અણધારી અને ઉંઘ હરામ કરી દે તેવી

0
41

ચીનના ઘણા કારખાનામાં કોરોનાકાળ પછી હડતાળો પડવા માંડી છે, તેવા અહેવાલોને પગલે દુનિયાને ભારે આશ્ચર્ય સાથે ચિંતા થવા લાગી. કારણ કે ઘણા દેશો ચીનના ફેંકેલા ટુકડાઓ પર નભે છે. ચીનની સરકાર માટે પણ આ ઘટના અણધારી અને ઉંઘ હરામ કરી દે તેવી છે. ચીની ઉદારીકરણમાં જેમ વિદેશના તેમ ભારતના પણ કેટલાક મોટા ઉદ્યોગપતિઓએ ઓછા ઉત્પાદન ખર્ચની લાલચમાં ચીનમાં ઘણા કારખાના નાંખ્યા અને ત્યાં ઉત્પાદિત થયેલા માલની આયાત ભારતમાં થવા લાગી. આ સિલસિલો હજુ પણ જારી છે. કાનપુરની એક ટાયર કંપનીએ ચીનમાં ટ્રક ટાયરોનું સસ્તા દરે ઉત્પાદન કર્યું કારણ કે તેને ચીનમાં મજૂરી સસ્તી પડી અને કાચો માલ પણ સાવ પાણીના મૂલે મળ્યો.

ચીનમાં ઉત્પાદન કર્યા બાદ તે કંપનીએ ભારત સહિત અન્ય દેશોમાં ટાયરોની નિકાસ કરી. મોટાભાગના તમામ સંપન્ન દેેશોના ધનાઢય ઉદ્યોગપતિઓએ સમયાંતરે ચીનમાં કારખાના નાંંખ્યા અને ત્યાંથી તેમના ઉત્પાદનોની વિશ્વભરમાં નિકાસ કરી તે વાતને કોઈ નકારી શકે તેમ નથી. આમ કરવાથી તે દેશોના ઉદ્યોગપતિઓના ખજાના છલકાઈ ગયા. ચીનના મોટાભાગના કારખાના દક્ષિણી પ્રાંતમાં છે. જ્યારે ચીનમાં ઉદારીકરણનો તબક્કો શરુ થયો, ત્યારે સરકારે જ ચીનના ખાનગી ઉદ્યોગપતિઓને કહ્યું કે, તેઓ ઉત્તર ચીનનો લોભ છોડીને દક્ષિણ ચીનમાં જાય અને ત્યાં દરિયા કિનારેે વસેલા શહેરોમાં કારખાના લગાવે. આમ તો સામ્યવાદી ચીન અને તાઈવાનના રાજનૈતિક સંબંધો કડવાશથી ભરેલા છે, પણ બંને દેશોએ આર્થિક જરુરિયાતોને પ્રાથમિકતા આપી તેમના સંબંધો અર્થકારણના આધારે આગળધપાવ્યા, જેના કારણેે આજે ચીનમાં તાઈવાનની ઘણી બધી મોટી કંપનીઓ કાર્યરત છે. એ સંબંધો હવે ભાંગી પડયા છે અને સામસામી તલવાર ખેંચાઈ ગયેલી છે. 

આ જ પ્રકારે જાપાન, દક્ષિણ કોરિયા અને અમેરિકાએ પણ ઘણી બધી કંપનીઓ ચીનમાં મોટા પ્રમાણમાં ઈલેક્ટ્રોનિક્સ સહિતની ચીજવસ્તુઓનું ઉત્પાદન કરે છે અને તેને દુનિયાભરમાં વેચેે છે. હવે કોરોના અને કામદાર આંદોલન એમ બન્ને રીતે વિદેશી કંપનીઓ ફસાઈ ગઈ છે અને જેમ બને એમ ઝડપથી પોતાની શેતરંજી સંકેલવાની ફિરાકમાં છે. ચીનમાં મજૂરી સસ્તી હોવાનુ એક મુખ્ય કારણ એ પણ છે કે, ત્યાં દર વર્ષે ગામડાઓમાંથી લાખ્ખો લોકો મજૂરીની શોધમાં શહેરોમાં આવે છે. આ પછી તેઓ કેટલાક મહિના કારખાનામાં કામ કરીને પાછા પોતાના ગામમાં જતાં રહે છે. આ મજૂરો ઓછી મજૂરી પર કામ કરે છે અને તેમની પાસે સરેરાશ ૧૦ થી ૧૨ કલાક કામ કરાવવામાં આવે છે. તેમને સપ્તાહમાં કોઈ રજા મળતી નથી અને મજૂરી પણ ખૂબ જ ઓછી મળેે છે. ધીરે ધીરે ચીનના મજૂરોની આંખો ઉઘડી. તેમને લાગવા માંડયું કે,, વિદેશી કંપનીઓ તેમનું શોષણ કરી રહી છે. ધીરે ધીરે આ અંગેની ભાવનાને પરિણામે રોષ ફેલાયો અને તેમને હડતાળનો રસ્તો અપનાવ્યો.

કોરોનાકાળ પહેલા સૌથી પહેલો વિરોધ તાઈવાનની એક મોટી કંપની એક્સકોનમાં થયો. મજૂરોએ અચાનક જ હડતાળ પાડી. આ ઈલેક્ટ્રોનિક જગતની ટોચની કંપનીઓમાં સામેલ છે. આ કંંપની મજૂરોને એટલું ઓછું વેતન આપતી હતી કે ઘણા બધાએ તો આત્મહત્યા કરી લીધી છે. તાઈવાનની એક્સકોન કંપનીમાં ચાર લાખ મજૂરો કામ કરેે છે. જ્યારે મજૂરોએ તેમના ઓછા વેતન, પેન્શનનો અભાવ, કામના વધુ કલાકો જેવા મુદ્દે ફરિયાદ કરવા માંડી તો મેનેજરોએ એક પછી એક મજૂરોને છૂટા કરવા માંડયા. આર્થિક મજબૂરીના કારણે ઘણા મજૂરો ચૂપચાપ કામ કરતાં રહેતા. આ પછી જ્યારે મજૂરોની આત્મહત્યાના સમાચાર ફેલાવા લાગ્યા ત્યારે તેમણેે એકાએક હડતાળ પાડી, જે મહિનાઓ સુધી ચાલી. આખરે આ કંપનીના માલિકોને મજૂરોના વેતનમાં ૩૦ ટકા જેટલો વધારો કરવો પડયો હતો. આ ઘટનાના પડઘા ચીનમાં ચાલતી અન્ય વિદેશી કંપનીઓના મજૂરોમાં પણ પડયા અને તેમને પણ વેતન વધારા માટે હડતાળ પાડવાનું શરુ કર્યું. મોટાભાગે વિદેશી કંપનીઓના કારખાનામાં જ હડતાળ પડી હતી.

ઈ.સ. ૧૯૪૯થી આજ સુધી ચીનમાં મજૂરોને કે માલિકોને હડતાળનો પરચો મળ્યો ન હતો, કારણ કે ત્યાં સરકાર ખૂબ જ કડક પગલાં લે છે. ત્યાંની સરકાર હડતાળ ચલાવી લેતી નથી. જોકે ચીનની સરકારે જોયું કે વિદેશી કંપનીઓ આપણાં દેશના મજૂરોને નિચોવી લે છે અને બધો માલ પોતાની અને પોતાના દેેશની તિજોરીમાં ભરે છે, ત્યારે તેમણે પણ આ ઘટનાઓને નજર અંદાજ કરવાનું શરું કર્યું. તાઈવાનની કંપનીમાં મજૂરોએ તેમના વેતનમાં ૩૦ ટકાનો વધારો કરાવ્યો, તેની સાથે જ બીજા તટીય પ્રાંત ગુઆનડોગમાં જાપાની કંપનીઓ જેવી કે ટોયોટા અને હોન્ડામાં પણ અચાનક હડતાળ પડી. તેની દેખાદેેખીમાં દક્ષિણ કોરિયાની કંપની હુન્ડાઈના કારખાનામાં પણ હડતાળ પડી. વિદેશી કંપનીઓએ ચીનની સરકારને કહ્યું કે અમે તો એમ વિચારીને ચીન આવ્યા હતા કે, અહીં મજૂરી સસ્તી છે અને મજૂરો શિસ્તબદ્ધ છે, પણ જો મજૂરો આ પ્રકારે હડતાળનો સહારો લેવા માંડશે તો અમે લાચાર થઈને બીજા દેશોમાં રોકાણ કરવા માટે મજબૂર બનીશું. ચીનની સરકાર માને છે કે, મંદીના અને કોરોનાના આ તબક્કામાં કોઈ ઉદ્યોગપતિ પોતાનું રોકાણ બીજા દેશમાં કરવાનું જોખમ નહી ઉતાવળે ખેડે. પરંતુ વાસ્તવિકતા જુદી જ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here