ચીનની નજરમાં આવ્યા વગર હેરફેર માટે લદ્દાખ સરહદે ભારતે ટનલો બનાવી

0
44

 ચીની સૈન્યની તૈયારી સામે ઈન્ડિયન આર્મીની સ્ટ્રેટેજીક ચાલ

– આઠ ફીટ સુધીનો વ્યાસ ધરાવતી ટનલ સૈનિકો અને લશ્કરી સરંજામની હેરાફેરી ઉપરાંત શેલ્ટર તરીકે પણ ઉપયોગી

લદ્દાખ સરહદે ઈન્ડિયન આર્મીએ લશ્કરી ભાષામાં ટનલ ડિફેન્સ કહેવાતી તૈયારી કરી લીધી છે. લાઈન ઑફ એક્ચ્યુલ કન્ટ્રોલ પરના કેટલાક સ્થળોએ આર્મીએ 6થી આઠ ફીટના વ્યાસની ટનલો તૈયાર કરી લીધી છે. ચીની સેના આગેકૂચ કરે કે બીજુ કોઈ દુ:સાહસ કરે એ સંજોગમાં આ ટનલો બહુ ઉપયોગી સાબિત થઈ શકે એમ છે. ટનલને કારણે સૈનિકો અને શસ્ત્રોની દુશ્મનની નજરમાં આવ્યા વગર જ હેરાફેરી કરી શકાશે.

ટનલો ક્યાં બનાવી, કેટલી બનાવી તેની વિગતો સ્વાભાવિક રીતે જાહેર કરવામાં આવી નથી. લદ્દાખમાં તાપમાન માઈનસ ડીગ્રીમાં પહોંચી ગયું છે, ત્યારે આવી ટનલો ભારતીય સૈન્ય માટે શેલ્ટર હોમ તરીકે પણ ઉપયોગી થઈ રહી છે. આ ટનલને અંદરથી ગરમ કરી શકાતી હોવાથી આકરા શિયાળામાં સૈનિકોને ટનલ રાહત આપનારી સાબિત થશે.

ભારત-ચીન વચ્ચે લશ્કરી વાટાઘાટોના નવ રાઉન્ડ પુરા થઈ ચૂક્યા છે. વાટાઘાટોનું નક્કર પરિણામ આવ્યું નથી, આવે એવી શક્યતા પણ દેખાતી નથી. એ સંજોગોમાં સંરક્ષણ મુદ્દે ભારત કોઈ ઢીલ વર્તવા માંગતુ નથી. માટે જંગી સૈન્ય ખડકી દીધા પછી હવે આગળની વ્યુહરચના પર કામ ચાલી રહ્યું છે. સરહદ પર ચીન સતત લશ્કરી બાંધકામ કરી રહ્યું હોવાથી ભારતે પણ એ પ્રમાણે પગલાં ભરવા અનિવાર્ય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here