ચીનની ઉત્પાદન ક્ષેત્રમાં ઝડપી વૃદ્ધિ, PMI વધી 50ની ઉપર

0
99

– કોરોનાને કારણે આઠ મહિનાના સતત ઘટાડા બાદ નિકાસ ઓર્ડરમાં વાૃધારો

ચીનની  ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ સપ્ટેમ્બરમાં ઝડપી ગતિએ વધી છે, જેને કારણે નિકાસ વૃદ્ધિ પ્રસ્થાપિત કરવામાં મદદ મળી છે. છેલ્લા કેટલાક મહિનાના ઘટાડા બાદ નિકાસમાં વધારો જોવા મળ્યો છે. આમ ચીનના અર્થતંત્રમાં સ્થિર સુધારો જોવા મળી રહ્યો છે.

ચીનનો ઉત્પાદન ક્ષેત્રનો પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ (પીએમઆઈ) જે ઓગસ્ટમાં ૫૧ રહ્યો હતો તે સપ્ટેમ્બરમાં વધીને ૫૧.૫૦ રહ્યો હતો. ૫૦થી ઉપરના ઈન્ડેકસને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવામાં આવે છે.

એનાલિસ્ટો પીએમઆઈ ૫૧.૨૦ રહેવાની ધારણાં રાખતા હતા. વિદેશી માગમાં વધારાને કારણે ચીનનો ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ વધ્યો હોવાનું જોવા મળે છે. ચીનની ઔદ્યોગિક ક્ષેત્રની પ્રવૃત્તિ  ધીમી ગતિએ કોરોના પહેલાના સ્તરે ફરી આવી રહી છે. 

સ્ટીમ્યુલ્સને કારણે માળખાકીય ક્ષેત્રમાં વિસ્તરણ, અટકી પડેલી માગમાં વધારો તથા નિકાસમાં આશ્ચર્યકારક વૃદ્ધિથી ચીનના ઉત્પાદન ક્ષેત્રમાં ગતિ જોવા મળી રહી છે. 

નવા નિકાસ ઓર્ડર્સ માટેનો સબ-ઈન્ડેકસ સપ્ટેમ્બરમાં ૫૦.૮૦ રહ્યો હતો જે ઓગસ્ટમાં ૪૯.૧૦ રહ્યો હતો. સતત આઠ મહિનાના ઘટાડા બાદ આ સુધારો જોવા મળી રહ્યો છે. ચીનમાં નવા નિકાસ ઓર્ડર્સ ત્રણ વર્ષની ઝડપી ગતિએ જોવાયા છે. 

મેન્યુફેકચરિંગ તથા નોન-મેન્યુફેકચરિંગ ક્ષેત્રના ઊંચા પીએમઆઈ ચીનમાં અર્થતંત્રમાં રિકવરી પાટે ચડી હોવાના સંકેત આપે છે. વેપારથી લઈને ઉત્પાદકોના ભાવ જેવા આર્થિક નિર્દેશાંકો પણ ઔદ્યોગિક ક્ષેત્રમાં સુધારાના સંકેત આપે છે. 

ચીનની ઉત્પાદન ક્ષેત્રની કંપનીઓના નફામાં ઓગસ્ટમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. ચીનમાં સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ પણ સપ્ટેમ્બરમાં ઝડપી ગતિએ વધી છે. જો કે ચીન માટે આગળ જતા માર્ગ કાંટાળો હોવાનું કેટલાક વિશ્લેષકો હજુપણ માની રહ્યા છે.

વિશ્વ સ્તરે મહામારી હજુ નિયંત્રણમાં આવી નથી જેની અસર ચીનની આયાત-નિકાસ પર પડી શકે છે. ચીન અને અમેરિકા વચ્ચેનું વેપાર યુદ્ધ હજુ પૂરી રીતે અટકયું નથી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here