ચતુર ચોપડીઓ… અભિમાની મોબાઈલ

0
427

– બાળકોમાં ધીરજ કે ઉત્સુકતા રહ્યા જ નથી. કોઈ પણ સમસ્યા માટે એક-બે વાર પ્રયાસ કરે અને જવાબ ન આવડે તો સીધો જ મોબાઈલ પકડે. કલાકો સુધી ચોંટયા જ રહે. મમ્મી-પપ્પાનું કશું માને જ નહિ

ના નકડો ટોની છઠ્ઠા ધોરણમાં ભણતો હતો. એને ભણવા કરતાં મોબાઈલ ગેમ રમવાનું વધુ ગમે. કાર્ટુન-વીડીયો જોવામાં ખૂબ આનંદ આવે. બહાર મિત્રો જોડે  રમવા જાય નહિ. શાળાના પુસ્તકો સિવાય બીજા પુસ્તકોને અડે પણ નહિ.

તેના પપ્પા એક ખાનગી કંપનીમાં ક્લાર્કની નોકરી કરતા પણ તેઓ ખૂબ જ સમજુ હતા. તેઓ ટોની માટે અવારનવાર વાર્તાની સરસ મજાની ચોપડીઓ લાવે…. બાળગીતોના પુસ્તકો પણ ખરીદી આપે… ચિત્રવાર્તાઓની ચોપડીઓ પણ ખરી, હોં…!

પણ ટોનીભાઈને આ બધામાં જરાય રસ નહિ. એને તો મોબાઈલમાં ગેમ  રમવી ગમે. પપ્પા મોબાઈલ ન આપે તો જિંદે ચડે, રિસાઈ જાય. મોબાઈલ ન મળે તો ટી.વી. પર કાર્ટુન જોવા બેસી જાય.

મમ્મીએ પણ સમજાવ્યુ :’ બેટા, પુસ્તકો વાંચીશ તો ઘણું બધું જાણવાનું મળશે. તારા પપ્પાએ તને કેટલી બધી ચોપડીઓ લાવી આપી છે. ! ભણવા સિવાય વધારાના જ્ઞાાન માટે તારે આ બધી ચોપડીઓ વાંચવી જોઈએ. વારતાની ચોપડીઓ વાંચવાથી સંસ્કાર મળે.. વિવેકબુદ્ધિ વિકસે…!’

પણ માને તો ટોની શાનો ? પપ્પા નિરાશ થઈને કબાટમાં પડેલી ચોપડીઓ જોયા કરે. પછી વિચારે :’ટોની હજુ નાનો છે ને ! સુધરી જશે..!’

એક સાંજના ટોની થાકીને જરા આરામ કરતો હતો. કબાટમાં રહેલી ચોપડીઓ ને પુસ્તકો બાળકોની ચિંતા કરી રહ્યા હતા. એવામાં એમને કંઈક વિચિત્ર અવાજ સંભળાયો. 

તેમણે જોયું કે મોબાઈલ પોતે ગીતો વગાડીને નાચી રહ્યો હતો. ! એના અવાજથી ચર્ચામાં ભંગ પડતા એક ચોપડી કબાટમાંથી બહાર આવી અને મોબાઈલને વિનંતી કરવા લાગી :’ અરે ઓ મોબાઈલ ! તું આ ઠીક નથી કરી રહ્યો હોં ! ટોની હાલ સૂતો છે. અત્યારે તો જપીને બેસ.’

મોબાઈલે કહ્યંુ :’શું બોલી તું ? હું શું ઠીક નથી કરી રહ્યો ?’

ચોપડી બોલી :’તું નાના બાળકોને અમારાથી દૂર કરીને એમનું બાળપણ બગાડી રહ્યો છે.’

મોબાઈલે અભિમાનથી કહ્યું :’એમ ? હું બાળકોને ગેમ રમાડુ ં છુ… મનોરજંન આપું છું… એમાં તને આટલી ઈર્ષા શાની આવે છે !’

ચોપડી કહે :’તું મનોરંજનના નામે બાળકોને અવળા રસ્તે લઈ જઈ રહ્યો છે. એનું તને ભાન છે ? તે તો અમારું સ્થાન જ છીનવી લીધું છે.. ! અમારું અસ્તિત્વ ખતરામાં લાવી દીધું છે. હવે તો બાળકો પુસ્તકોના બદલે મોબાઈલ પર ગેમ, વીડીયો, કાર્ટુન ને નકામી બાબતોમાં સમય બગાડી રહ્યા છે.. એમનું સ્વાસ્થ્ય પણ બગડી રહ્યું છે. !’

મોબાઈલે  મોં બગાડતા કહ્યું :’એ તો એમને સમજવું જોઈએ. મોબાઈલમાં ગેમ રમવી કે  ન રમવી,  મોબાઇલમા કાર્ટુન કે મુવી જોવા કે ન જોવા, એ તો લોકોના પોતાના હાથમાં છે. એમાં હું શું કરી શકું ? હા, મારા લીધે તારું માન ઓછું જરૂર થયુ ં છે, પણ એ તારી સમસ્યા છે. લોકો મને પ્રેમ કરે છે તો તને શેનું પેટમાં દુ:ખે છે ?’ મોબાઈલે ચોપડીને ધમકાવતાં કહ્યું.

ચોપડીએ જરા ઢીલા અવાજમાં કહ્યું :’પ્રેમ તો લોકો પણ મને ખૂબ કરતા હતા. મારો પણ એક જમાનો હતો. એક સમયે હું ખૂબ વંચાતી. દરેક બસ સ્ટેશન અને રેલવે સ્ટેશનમાં એક-બે દુકાનો તો પુસ્તકો, છાપા, સામાયિકો, સાપ્તાહિકોની જ હોય. નાના ટાબરિયાંઓ તો દર રવિવારે મારી રીતસરની રાહ જોતા બેઠા હોય. મોટેરાઓ પણ અવનવી ચોપડીઓ ને મેગેઝીનો વાંચતા. વારતાની ચોપડીઓ બાળકોના હાથમાં આવે કે ખુશીથી નાચી ઉઠતા… એમાંની વાર્તાઓ વાંચે, ઉખાણાના જવાબ શોધે… રૂડાં ગીતો ગાય,ચિત્રોમાં રંગપૂરણી કરી એકબીજાને બતાવે. હવે જુઓ… હું કબાટમાં સાવ એકલી-અટૂલી પડી રહી છું…. ચોપડી તો રડવા જેવી થઈ ગઈ.’

પણ મોબાઈલ પર એની કશી અસર થઈ નહિ. તે કહે :’એમાં શું ? દરેકનો એક સમય હોય છે. જે લોકોના વધુ કામમાં આવે તે વધુપ્રિય બને. હું લોકોને દરેક માહિતી પળવારમાં આપું છું મારી અંદર કેટલાય ‘ઈ-પુસ્તકો’ના ઢગલેઢગલાં પડયાં છે. પછી તારાં પાછળ ખર્ચ કરવાનો ફાયદો શું ?’

ચોપડીએ સ્પષ્ટતા કરી :’એ વાત ઠીક.પણ કંઈ બધાય ‘ ઈ-પુસ્તકો’ કામના નથી હોતા. ગુણવત્તા વગરના અને અધૂરી માહિતીવાળા ‘ઈ-પુસ્તકો’ શા કામના ? અને હા, મોબાઈલ સામે વધુ સમય સુધી બેસી રહેનારા બાળકોની આંખોને નુકસાન થાય, દૃષ્ટિ ઝાંખી પડે. ચશ્મા આવી જાય. એ ઓછું હોય એમ ગરદન, પીઠ અને માથાનો દુ:ખાવો પણ થાય. આવા સ્વભાવે ચીડિયા બની જાય. વળી, ઈન્ટરનેટ વગર શું કપાળ કામ થાય ? એના કરતા તો ચોપડીઓ જ સારી. જ્યારે મન થાય ત્યારે જ્ઞાાનનો ખજાનો હાથમાં… ! અને સાંભળ ! જે મજા અને આનંદ પુસ્તકો હાથમાં પકડીને વાંચવામાં છે તે તારામાં નથી.. નથી… ને 

નથી જ !’

મોબાઈલ ચોપડીની વાત સાંભળી ભડક્યો :’તોય લોકો બધાં કામમાં મારી પાસે આવે છે કે નહિ ? અરે, બાળકો તો દાખલા ગણવા, ઉખાણાના જવાબ શોધવા કે પછી પ્રોજેક્ટ તૈયાર કરવા પણ મારી જ મદદ લે છે, સમજી ?’

ચોપડીએ મોબાઈલને સત્ય બતાવતા કહ્યું : ‘આમ કરવામાં તેઓએ મગજ વાપરવાનું જ બંધ કરી દીધું છે. તે બધાંને આળસુ, અશાંત અને પ્રયત્નહીન કરી મૂક્યા છે. બાળકોમાં ધીરજ કે ઉત્સુકતા રહ્યા જ નથી. કોઈ પણ સમસ્યા માટે એક-બે વાર પ્રયાસ કરે અને જવાબ ન આવડે તો સીધો જ મોબાઈલ પકડે. કલાકો સુધી ચોંટયા જ રહે. મમ્મી-પપ્પાનું કશું માને જ નહિ. તે તો બાળકોના આંખે બેતાલાં લાવી મૂક્યા છે…’

પણ મોબાઈલ આત્મપ્રશંસા કરતા કહે :’ભૈ, આજના સમયમાં ઝડપ જરૂરી છે. ધીરજ અને ખંતનો જમાનો નથી. ચટ સવાલ… અને પટ જવાબ.. ! એ પણ મનોરંજન અને આનંદ સાથે. તેથી જ હું વધુ લોકપ્રિય છું…!’

ચોપડી ગંભીર થઈ બોલી :’આનંદ  ? તું શું જાણે કે આનંદ કોને કહેવાય ? આનંદ તો મેળવવાની અને વહેંચવાની વસ્તુ છે. તને ખબર છે ? વર્ષો પહેલાં આખો પરિવાર એક સાથે મારી પાસે બેસતો. સૌ એકબીજાને અવનવી વાતો વાંચી સંભળાવતાં. સૌના ચહેરે બસ રાજીપો જ રાજીપો. અને તું ? લોકોમાં એકલતા વધારી રહ્યો છે. તે સૌના સ્વભાવમાં કૃત્રિમતા લાવી દીધી છે. મહેરબાની કરી તું બાળકોને તો ન જ બગાડીશ. એમનાથી છેટો જ રહેજેે. !’

ચોપડીએ મોબાઈલને વિનંતી કરી. પણ મોબાઈલ ગુસ્સે ભરાયો અને ચોપડીને ટેબલ પરથી ધક્કો મારવા આગળ ધસ્યો. ચોપડી તો ચતુરાઈથી કૂદીને પાછી કબાટમાં ગોઠવાઈ ગઈ. પણ મોબાઈલ  લપસીને સીધો જ ટેબલ પરથી નીચે પડયો… બેટરી શરીરમાંથી છૂટી પડી ગઈ… સ્ક્રીન અને કાચના ભૂક્કા બોલાઈ ગયા… ઝીણાં-ઝીણાં તારનો સંપર્ક તૂટી ગયો… ઘમંડી મોબાઈલ બગડી ગયો.

મોબાઈલ પડવાના અવાજથી ટોમી જાગી ગયો. મોબાઈલની અવદશા જોઈ ટોમીના હોશહોશ ઊડી ગયા. તેણે તરત પપ્પાને જાણ કરી.

‘ઓહ ! આને તો રીપેર કરાવવો પડશે. પપ્પાએ કહ્યું સાંજે પપ્પાએ મોબાઈલને રીપેરીંગ માટે દુકાનવાળાને સોંપ્યો. દુકાનદારે ચાર-પાંચ દિવસ પછી આવવા જણાવ્યું.’

હવે ? નવરાશના સમયમાં ટોમી શું કરે ? ચોપડીઓએ આ બધું જોયું. ટોમીને સુધારવાની આ સારી તક હતી. ચતુર ચોપડીઓ કબાટમાંથી નીકળી ટોમીના ટેબલ પર ગોઠવાઈ ગઈ. ટોમીએ જોવા ખાતર જ સરસ મજાની વારતાની ચોપડીઓ પર નજર ફેરવવા માંડી. એક-બે પાના વાંચ્યા. ટોમીને તો મજા આવવા લાગી. ચોપડીઓમાંની વાર્તાઓ, બાળગીતો, ઉખાણાં, વિજ્ઞાાનની વાર્તા વાંચી તે આનંદથી ઉછળી જ પડયો.

પછી તો રોજ જુદી-જુદી ચોપડીઓ કબાટમાંથી નીકળી ટોમી પાસે આવી ગોઠવાઈ જતી. ટોમી એક પછી એક ચોપડીઓ વાંચતો જ જાય. એટલું જ નહિ, કંઈક સારું લાગે તો મમ્મી-પપ્પા-મિત્રો પાસે દોડી જાય…! એમને પણ વાંચી સંભળાવે…!

પાંચમા દિવસે રવિવારે પોતાનું લેશન પૂરું કરી ટોમી ફરીથી ચોપડીઓ વાંચવા લાગી ગયો. તેના મિત્રો ગોળાકારે તેની આસપાસ ગોઠવાઈને તેને સાંભળવા જાય અને વાહ… વાહ… કરતા જાય.

ટોમીમાં પરિવર્તન આવેલું જોઈ તેના મમ્મી-પપ્પા હરખાઈ ઉઠયા.. અને હા, બધી ચોપડીઓ પણ ખુશખુશાલ હતી, હોં ! સાજા થઈને ઘરે આવેલા મોબાઈલનું અભિમાન હવે ઉતરી ગયું હતું.

લેખક : વિજય ખત્રી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here