ગ્રાહકોની ભીડ જામતા ડી-માર્ટ મોલની શ્યામલ અને રાણીપ શાખા ‘સીલ’

    0
    2

    ફુલબજાર બંધ કરાવાયું, મણિનગર શાક માર્કેટની ભીડ વિખેરી દેવાઈ

    અમદાવાદમાં ઓચિંતો જ 58 કલાકનો કરફ્યુ જાહેર કરાતા લોકોમાં પેનિકની સ્થિતિ પેદા થઈ હતી. કરફ્યુ લંબાઈ જવાની બીકે જીવન જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા મૉલ અને દુકાનોમાં ઠેર ઠેર ભીડ કરી હતી. 

    દરમ્યાનમાં શ્યામલ વિસ્તારમાં આવેલ ડી-માર્ટ અને રાણીપ વિસ્તારમાં આવેલ ડી-માર્ટનું કામકાજ બંધ કરાવીને ‘સીલ’ મારી દીધા હતા જ્યારે જમાલપુરની ફૂલબજાર પણ બંધ કરાવી દીધી હતી. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર લોકો જીવનજરૂરી ચીજ-વસ્તુઓ ખરીદવા સવારથી જ નીકળી ગયા હતા. સેટેલાઇટમાં શ્યામલ વિસ્તારમાં આવેલ ડી-માર્ટના ફૂટપાથ સુધી ગ્રાહકોની લાંબી લાઇનો લાગી હતી. કેટલાકે તો માસ્ક પણ નહોતા પહેર્યા અને સોશ્યલ ડિસ્ટન્સ પણ જળવાતું ના હતું. 

    આ બાબત સોશ્યલ મીડિયામાં વહેતી થતા મ્યુનિ. ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને ભીડ વિખેરી નાખીને મૉલના શટર પાડી દઈ તેના પર સીલ મારી દીધું હતું આવી જ સ્થિતિ રાણીપ વિસ્તારના ડી-માર્ટની હતી ત્યાં પણ સીલ મારી દીધેલ છે. 

    ત્યારબાદ અન્ય શાખાઓ ફટોફટ આપોઆપ બંધ કરી દેવામાં આવી હતી. જ્યારે અન્ય કેટલાક મૉલ અને મોટી દુકાનોવાળાઓએ ભીડ ના થાય તે માટે માલ ન હોવાના બોર્ડ મારી દીધા હતા.

    આવી જ રીતે જમાલપુરમાં ફૂલબજારમાં સવારના ગાળામાં ભીડ જામી હતી. વેચનાર અને ગ્રાહક પૈકી મોટા ભાગનાએ માસ્ક પણ પહેર્યા ના હતા. બાદમાં ભીડને વિખેરી દઈને ફૂલબજારને બંધ કરી દેવાયું હતું. ઉપરાંત મણિનગરના શાક માર્કેટમાં ભારે ભીડ જામતા મ્યુનિ.ની ટીમે ત્યાં પહોંચી જઈને ભીડને વિખેરી કાઢી હતી.

     જે દુકાનદાર કે ધંધાદારી એકમો કોરોનાની ગાઇડ લાઇન્સનું પાલન નહી કરે અને ગ્રાહકોની ભીડ એકઠી કરશે તેમની સામે પગલા લેવાનું નકકી કરાયું છે. માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન અને સેનેટાઇઝરના ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો છે.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here