પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ
– ડુંગરપુરમાં કોંગ્રેસે ભાજપ સાથે મળી બીટીપીના નેતાને પ્રમુખ ન બનવા દીધા હોવાથી છેડો ફાડયો હોવાનો દાવો
રાજસૃથાનમાં ગેલહોત સરકારને ફટકો લાગ્યો છે. સરકારને સમર્થન આપી રહેલી ભારતીય ટ્રાયબલ પાર્ટી (બીટીપી)ના બે ધારાસભ્યોએ ટેકો પરત લઇ લીધો છે. પક્ષના બન્ને ધારાસભ્યો અત્યાર સુધી ગેહલોત સરકારને ટેકો આપતા રહ્યા છે પણ હવે તેને પરત લઇ લીધો છે. આ પગલુ ભરવા પાછળનું કારણ બીટીપી કોંગ્રેસથી નારાજ હોવાનું મનાઇ રહ્યું છે.
બીટીપીના બે ધારાસભ્ય રાજકુમાર રોત અને રામપ્રસાદે પાર્ટીના અધ્યક્ષ અને ગુજરાતના ધારાસભ્ય છોટુભાઇ વસાવા સમક્ષ પણ સમર્થન પરત લેવાની વાત કરી હતી. જેના પર અમલ કરતી વેળાએ તેઓએ પોતાનું સમર્થન પરત લઇ લીધુ છે. આ બન્ને ધારાસભ્યોએ પાયલટની નારાજગી વચ્ચે પણ કોંગ્રેસના કેસી વેણુગોપાલ અને નીરજ ડાંગીના પક્ષમાં મતદાન કર્યું હતું.
જોકે જિલ્લા પંચાયતોની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ બીટીપીએ સમર્થન પરત લેવાની જાહેરાત કરી હતી. બીટીપીના ધારાસભ્યોએ કોંગ્રેસ પર વિશ્વાસઘાત કરવાનો આરોપ લગાવ્યો હતો. પંચાયત ચૂંટણીમાં ભાજપને 1833 અને કોંગ્રેસને 1713 બેઠકો પર જીત મળી હતી. આ ઉપરાંત જિલ્લા પ્રમુખની ચૂંટણીમાં પણ ભાજપને જીત મળી હતી.
રાજસૃથાનના આદિવાસી ડૂંગરપુરમાં જિલ્લા પંચાયતના સભ્યોની ચૂંટણીમાં બીટીપીને સૌથી વધુ બેઠકો મળી હતી. જોકે કોંગ્રેસ અને ભાજપે હાથ મેળવી લીધા હોવાથી બીટીપીના જિલ્લા પ્રમુખ ન બની શક્યા અને ભાજપે પોતાના જિલ્લા પ્રમુખ બનાવી લીધા હતા તેવો આરોપ લગાવાયો હતો.