ખરાબ સમયમાં તો સારી ભાવનાઓ જાગે છે, પરંતુ પરિસ્થિતિ બદલાતાં જ લાલચ જાગી જાય છે

0
74
  • એક વેપારીની હોડી પાણીમાં ડૂબી રહી હતી, ત્યારે વેપારીએ એક માછીમાર જોયો, તેણે માછીમારને કહ્યું મને બચાવી લો, હું તમને મારી સંપૂર્ણ ધન-સંપત્તિ આપી દઇશ.

જ્યારે કોઇ વ્યક્તિ ખરાબ સમયમાં ફસાઇ જાય છે, ત્યારે તેમના મનમાં સારી ભાવનાઓ જાગે છે. તે સારા કામ કરવાનું મન બનાવે છે અને વિચારે છે કે પરિસ્થિતિ ઠીક થઇ જશે ત્યારે બધા જ ખરાબ કામોથી દૂર રહીશ. પરંતુ, પરિસ્થિતિ જેવી બદલાય છે, લાલચ જાગે છે અને પોતાની સારી બાબતો વ્યક્તિ ભૂલી જાય છે. આ અઅંગે એક લોક કથા પ્રચલિત છે. જાણો આ કથા…

કથા– પ્રાચીન સમયમાં એક વેપારી નદી કિનારે એક નગરમાં રહેતો હતો. એક શહેરથી બીજા શહેર જવા માટે તેને હોડીનો ઉપયોગ કરવો પડતો હતો, પરંતુ તને તરતાં આવડતું ન હતું. એક દિવસ તે નદીના રસ્તે બીજા નગરમાં જઇ રહ્યો હતો. નદીની વચ્ચે તેણે જોયું કે તેની હોડીમાં પાણી ભરાઇ રહ્યું છે. હોડીમાં કાણું પડી ગયું હતું. તે ભયભીત થઇ ગયો. હવે શેઠ ભગવાનને યાદ કરવા લાગ્યો. ત્યારે તેણે એક માછીમાર જોયો.

શેઠે માછીમારને બોલાવ્યો અને કહ્યું કે, મારી હોડી ડૂબી રહી છે, મને તરતાં આવડતું નથી, મને બચાવી લો, હું તમને મારી સંપૂર્ણ સંપત્તિ આપી દઇશ. માછીમાર પોતાની હોડી લઇને તેની પાસે પહોંચ્યો અને વેપારીને બચાવી લીધો.

માછીમારની હોડીમાં બેસ્યા પછી શેઠે રાહતનો શ્વાસ લીધો. હવે તે વિચારી રહ્યો હતો. તેણે માછીમારને કહ્યું કે, ભાઈ જ હું તને સંપૂર્ણ સંપત્તિ આપી દઇશ તો હું મારું ભરણપોષણ કઇ રીતે કરી શકીશ. હું તને મારી બધી જ નહીં, પરંતુ અડધી સંપત્તિ આપી દઇશ.

થોડીવાર પછી વેપારી ફરી બોલ્યો, ભાઈ મારા પરિવારમાં પત્ની અને બાળકો પણ છે. મારી સંપત્તિમાં તેમનો પણ હક છે. હું તને અડધી નહીં, ચોથા ભાગની સંપત્તિ આપી દઇશ. માછીમાર વેપારીની વાતનો કોઇ જવાબ આપી રહ્યો ન હતો.

જ્યારે હોડી કિનારે પહોંચી ગઇ ત્યારે વેપારીએ વિચાર્યું કે હવે હું સુરક્ષિત છું. માછીમારે મારો જીવ બચાવીને કોઇ મોટું કામ કર્યું નથી. આ તો તેની ફરજ હતી. માનવતાના સંબંધમાં તેણે મારી મદદ કરવાની જ હતી. વેપારીએ માછીમારને થોડા રૂપિયા આપવાનું વિચાર્યું, પરંતુ માછીમારે ના પાડી દીધી. શેઠ પોતાના રૂપિયા લઇને ત્યાંથી જતો રહ્યો.

બોધપાઠઃ-આ કથાનો બોધપાઠ એ છે કે, વ્યક્તિ ખરાબ પરિસ્થિતિમાં સારા કામ કરવાનું પ્રણ લે છે, પરંતુ જ્યારે પરિસ્થિતિ તેના પક્ષમાં થઇ જાય છે ત્યારે મનમાં લાલચ જાગે છે અને તે પોતાની વાતથી પલટાઇ જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here