કોલકાતામાં ઐતિહાસિક દિવાળી ઊજવાઈ, નાગરિકોએે એકપણ ફટાકડો ફોડયો નહીં

0
61

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ફટાકડા અને આતશબાજી દિવાળી અને દુર્ગાપૂજાનો અભિન્ન હિસ્સો છે પરંતુ કલકત્તા હાઇકોર્ટે ફટાકડા ફોડવા પર મૂકેલા પ્રતિબંધનું કોલકાતાવાસીઓએ ચુસ્તતાથી પાલન કરતાં શનિવારે દિવાળીની રાત્રે કોલકાતામાં આતશબાજી અને ફટાકડા નદારદ બન્યાં હતાં.

કેટલાંક છૂટાછવાયા બનાવોને બાદ કરતાં પહેલીવાર કોલકાતામાં હવા અને અવાજના પ્રદૂષણ વિના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. કોલકાતા પોલીસે દિવાળી પહેલાં કેટલાંક હજાર કિલોગ્રામ દારૂખાનું જપ્ત કર્યું હતું અને ૨૯૪ લોકોની ધરપકડ કરી હતી. કોલકાતા પોલીસે મધ્યરાત્રિએ કોલકાતાની સ્કાયલાઇનની તસવીરો ટ્વિટર પર પોસ્ટ કરી પ્રતિબંધની અસર કેવી રહી તે જાહેર કર્યું હતું.

પશ્ચિમ બંગાળના શહેરી વિકાસ મંત્રી ફિરહાદ હકીમે જણાવ્યું હતું કે, નાગરિકોમાં રહેલી જાગ્રતતાના કારણે આ શક્ય બન્યું હતું. સમાજના હિતમાં લોકોએ પ્રતિબંધનું ચુસ્તતાથી પાલન કર્યું હતું. જો કે કોલકાતા સિવાયના જિલ્લાઓમાં કેટલાંક સ્થળોએ પ્રતિબંધની અવગણના કરીને દારૂખાનાનો ઉપયોગ કરાયો હતો.

દિલ્હીમાં સોનિયાવિહારમાં પીએમ ૨.૫નું સ્તર ૫૦૦ને પાર

દિલ્હીવાસીઓએ કરેલી આતશબાજીના કારણે શહેરમાં હવાના પ્રદૂષણે માઝા મૂકી હતી. દિલ્હીના સોનિયા વિહાર વિસ્તારમાં પીએમ ૨.૫નું સ્તર ૫૦૦ને પાર થયું હતું. શહેરમાં વિઝિબિલિટી પણ ઘટીને ૨૦૦-૩૦૦ મીટર પર આવી ગઇ હતી. દિવાળીની રાત્રે દિલ્હીના આનંદવિહાર વિસ્તારમાં પીએમ ૨.૫નું સ્તર ૪૮૧, અશોક વિહારમાં ૪૯૧ નોંધાયું હતું. મોટાભાગના વિસ્તારમાં પીએમ ૨.૫નું સ્તર ૪૦૦ની ઉપર રહ્યું જે ગંભીર ગણી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here