- મોસ્કોમાં સ્પૂતિનક-V લોકોને આપવાની શરૂ કરાઈ, રશિયામાં કુલ 24.31 લાખ કેસ અને 42 હજારથી વધારે લોકોના મોત
- દુનિયામાં અત્યારસુધીમાં 6.62 કરોડથી વધારે સંક્રમિત, 15.23 લાખ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે, 4.57 કરોડ સાજા થયા
- અમેરિકામાં સંક્રમિતોના આંકડા 1.47 કરોડથી વધારે, અત્યારસુધીમાં 2.85 લાખ લોકોએ જીવ ગુમાવ્યો
વિશ્વમાં કોરોનાના દર્દીનો આંકડો 6 કરોડ 63 લાખ 57 હજાર 90 થઈ ગયો છે. તે પૈકી 15 લાખ 27 હજાર 87 દર્દીના મૃત્યુ થયા છે. જ્યારે 4 કરોડ 59 લાખ 38 હજાર 969 દર્દી સાજા થયા છે. અત્યારે 1 કરોડ 88 લાખ 91 હજાર 34 દર્દી એવા છે કે જેમની સારવાર ચાલી રહી છે.છેલ્લા 24 કલાકમાં વિશ્વભરમાં વિક્રમજનક 6 લાખ 84 હજાર 444 નવા દર્દીની ઓળખ થઈ છે. અત્યાર સુધીમાં એક દિવસમાં મળેલો આ સૌથી મોટો આંકડો છે. 12 હજાર 133 દર્દીના મૃત્યુ થયા છે. મૃત્યુનો આ આંકડો પણ સૌથી મોટો છે. આ આંકડા www.worldometers.info/coronavirus પ્રમાણે છે.
રશિયામાં વેક્સિનેશનની તૈયારી ઝડપી બની
રશિયાના માસ્કોમાં સ્પૂતિનક-V વેક્સિનને લોકોને આપવાની શરૂઆત થઈ ગઈ છે. કોરોના વાઈરસ ટાસ્ક ફોર્સે કહ્યું હતું કે શનિવારે 70 ક્લિનિક્સને આ વેક્સિન પહોંચાડી દેવાઈ છે. આ વેક્સિન સૌ પ્રથમ ડોક્ટરોને, મેડિકલ વર્કરને, શિક્ષકોને અને સામાજિક કાર્યકર્તાઓને અપાશે. મોસ્કોમાં આ બધા કોરોના વોરિયર્સને ફોન પર મેસેજ કરીને વેક્સિનેશ માટે બોલાવાઈ રહ્યા છે.
ઈટાલીમાં સંક્રમણને કારણે સ્થિતિ બેકાબૂ થઈ રહી છે. અહીં શુક્રવારે પણ 993 લોકોનાં મોત થયાં હતાં. હોસ્પિટલોમાં બેડ ઓછાં પડી રહ્યાં છે. સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે આ વખતે ક્રિસમસ, બોક્સિંગ ડે અને ન્યૂ યર પ્રતિબંધોમાં પસાર થશે.
ઈટાલીમાં સરકાર લાચાર
યુરોપિયન દેશોમાં જે સ્થિતિ માર્ચ અને એપ્રિલમાં હતી એ જ ફરી ઊભી થતી હોય એવું લાગી રહ્યું છે. ફ્રાન્સ અને જર્મનીમાં કડક પ્રતિબંધો અને લોકડાઉનથી અમુક હદ સુધી નિયંત્રણ મેળવી શકાયું છે, પરંતુ ઈટાલીમાં એવું નથી થયું. શુક્રવારે અહીં 993 લોકોનાં મોત થયાં છે. અત્યારસુધીમાં કુલ 58 લોકો સંક્રમણને કારણે જીવ ગુમાવી બેઠા છે. ઈટાલી સરકારનું કહેવું છે કે હોસ્પિટલોમાં બેડની સંખ્યા ઘટી રહી છે. સરકારે એવું પણ સ્પષ્ટ કરી દીધું છે કે ફેસ્ટિવ સીઝનમાં પ્રતિબંધો પહેલાં કરતાં વધારે કડક રખાશે અને લોકોએ માનસિક રીતે ઘરમાં જ રહેવા માટે તૈયાર રહેવું પડશે.
શુક્રવારે ઈટાલીમાં બોગલિન શહેરની એક હોસ્પિટલમાં ગંભીર દર્દીને ICUમાં શિફ્ટ કરતો સ્ટાફ.
અમેરિકામાં બેકાબૂ મોત
અમેરિકામાં પણ સંક્રમણને કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ છે. ધી ગાર્ડિયનના એક રિપોર્ટ પ્રમાણે આ સપ્તાહમાં સરેરાશ રોજ 1800 લોકોનાં મોત થયાં છે. આ એપ્રિલ પછીની સૌથી ખરાબ સ્થિતિ માનવામાં આવી રહી છે. પ્રેસિડેન્ટ ઈલેક્ટ જો બાઈડને ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન પર આરોપ લગાવ્યો છે કે તેમણે વેક્સિન ડિસ્ટ્રિબ્યુશનનો યોગ્ય પ્લાન નથી બનાવ્યો અને એને કારણે રાજ્યોને પરેશાની થઈ રહી છે. બાઈડને કહ્યું હતું કે મારી ટીમને હજી સુધી કોઈ ડિટેઈલ પ્લાન નથી મળ્યો. અમારે વેક્સિન અને સિરિન્જ કન્ટેનર્સની વ્યવસ્થા કરવી પડે છે. બાઈડને ટ્રમ્પના કોરોના ટાસ્કફોર્સમાં સામેલ ડોક્ટર એન્થોની ફૌસીને અપીલ કરી છે કે તેઓ તેમની કોરોના ટીમનો હિસ્સો બને. જોકે ફૌસીએ હજી આ વિશે કોઈ જવાબ આપ્યો નથી.
લોસ એન્જેલસ એરપોર્ટ બહાર એક હેલ્થ ચેક પોઈન્ટ પર હેલ્થ વર્કર અને પેસેન્જર, અમેરિકામાં એક સપ્તાહથી રોજના સરેરાશ 1800 લોકોનાં મૃત્યુ થયાં છે.
ઓસ્ટ્રેલિયામાં રાહત
ઓસ્ટ્રેલિયાના લોકોમાં સંયમ અને સરકારના ઉપાયોની અસર દેખાવા લાગી છે. ન્યૂ સાઉથ વેલ્સ અને સાઉથ ઓસ્ટ્રેલિયા સૌથી વધારે પ્રભાવિત હતા, પરંતુ હવે અહીં સ્થિતિ નિયંત્રણમાં છે. ન્યૂ સાઉથ વેલ્સમાં છેલ્લા 24 કલાકમાં કોઈ સ્થાનિક સંક્રમણનો કેસ આવ્યો નથી. જોકે સિડનીમાં વિદેશી યાત્રીઓને કારણે જોખમ યથાવત્ છે અને તેથી પ્રશાસને અહીં હોટલ ક્વોરન્ટીનની સુવિધા શરૂ કરી છે.