કોરોના ઈફેકટ, વાજીંત્રોના બીઝનેસમાં 50 ટકાનો થયેલો ધરખમ ઘટાડો

0
52

– માર્કેટ વોચ : તહેવાર સંબંધિત ધંધા રોજગારમાં કારમો ફટકો

– ગ્રામ્ય વિસ્તારમાંથી નવા વાજીંત્રોની ખરીદી અને સમારકામની કામગીરી યથાવત

શકિત અને ભકિતના અનન્ય મહત્વપૂર્ણ ગણાતા સૌથી લાંબા તહેવાર નવરાત્રિ મહોત્સવની ઉજવણીની રમઝટ જેના વગર અધૂરી જણાય છે તેવા કર્ણપ્રિય સંગીતની સુરાવલીઓ રેલાવનાર સંગીતના સાધનોના વિક્રેતાઓ તેમજ કારીગરોના બીઝનેસમાંં હાલ કોરોનાની મહામારીના કારણે ૫૦ ટકા જેટલો ધરખમ ઘટાડો થતા તેઓ ચિંતામગ્ન જણાય છે. 

કોરોનાની મહામારીના કારણે તમામ તહેવારોની ઉજવણીનો માહોલ બગડી ગયો છે. એટલુ જ નહિ જે તે તહેવાર સંબંધિત ધંધા રોજગારમાં પણ લાખો, કરોડોનો ફટકો પહોંચ્યો છે.નવરાત્રિનો તહેવાર પણ ફિકકો જાય તેવી આશંકાથી અર્થતંત્ર, વેપાર,ધંધા અને રોજીમાં પણ જંગી કમ્મરતોડ ખોટ જોવા મળશે. 

નવલા નવરાત્રિ મહોત્સવમાં હજજારો ખેલૈયાઓને એક એકથી ચડીયાતા સુમધુર ગીત-સંગીતના તાલે ઝુમાવવા માટે,ગરબે ઘુમાવવા માટે ઘુઘવતા ગરબાના મહાસાગરમાં સંગીતની રીધમ વાજીંત્રો અને મનોહર રાગથી જળવાય છે. આ વાજીંત્રોને તહેવાર માટે અગાઉથી અપ ટુ ડેટ રાખવા માટે દર વર્ષે નવરાત્રિ અગાઉ એકાદ માસથી શહેરના હાઈકોર્ટ રોડ પર આવેલ ડબગરવાડમાં અલગ અલગ ગરબી મંડળો, કલાકારો,સાજીંદાઓની ચહલ પહલ જોવા મળતી હતી. આ વર્ષે કોરોનાના કહેરના કારણે તેમજ તાજેતરમાં જાહેર કરાયેલી નવી ગાઈડલાઈનને અનુલક્ષીને હજુ સુધી ડબગરવાડમાં ઘરાગીનો ટેમ્પો જોવા મળતો નથી.

શહેરની ડબગરવાડમાં નવરાત્રિ પુર્વે વળવા, તબલા, ઢોલક, ઢોલ, ચંડો, ડફ સહિતના ભારતીય વાદ્યો તેમજ રોટો, ટિમ્બાલી, માદોલ,નેપાળી વાદ્ય ઉપરાંત ઈલેકટ્રોનીકસ પડ, ગિટાર,કેશીયો સહિતના પશ્ચિમી વાદ્યોની અત્યંત આવશ્યકતા રહે છે.ડબગરવાડના વાજીંત્રના કારીગર ભાવેશભાઈ તબલાવાળાએ જણાવ્યુ હતુ કે, નવરાત્રિ દરમીયાન તબલા,ઢોલક, ઢોલ, ઝાંઝ,મંજીરા, ખંજરી,કરતાલ સહિતના સાધનો નવા ખરીદવા અને તેના સમારકામ માટે આ વર્ષે કોરોનાના કારણે શહેરી વિસ્તારની ૫૦ થી ૬૦ ટકા ઘરાગી ઘટી ગઈ છે જયારે ગ્રામ્ય વિસ્તારમાં માતાજીના મંદિર,મઢમાંથી વાજીંત્રો સંબંધિત ઈન્કવાયરી આંગળીના વેઢે ગણી શકાય તેટલી આવી રહી છે. ડબગરવાડમાં અંદાજે પાંચથી છ જેટલી દુકાનોમાં આ કામગીરી થાય છે. આ કામગીરી સાથે સંકળાયેલા શ્રમિક પરિવારના સભ્યો પાંચથી છ પેઢીથી વારસાગત રીતે આ કાર્ય કરી રહ્યા છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here