અમદાવાદની સિવિલ હોસ્પિટલ ફરી એક વાર કોરોનાનું કબ્રસ્તાન બની છે, મંગળવારે પણ સિવિલની ૧૨૦૦ બેડ કોવિડ હોસ્પિટલમાં ૧૫ લાશોનો ખડકલો થયો હતો, સવારે દર્દીઓના સગાં મૃતદેહ લેવા માટે મોટી સંખ્યામાં ઊમટી પડયા હતા, છેલ્લાં ચાર દિવસમાં જ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના કારણે ૫૨થી ૫૫ દર્દીઓનાં ટપોટપ મોત થયાં છે, આ ખોફનાક સ્થિતિ હોવા છતાં ગુજરાત સરકાર કોરોનાના માહોલમાં સંવેદનશીલતાને બાજુએ મૂકી હવે નફ્ફટાઈ પર ઊતરી આવી છે અને મોતના સાચા આંકડા છુપાવી રહી છે.
૧૨૦૦ બેડની સિવિલ હોસ્પિટલના ડેડબોડી વિભાગ પાસે મંગળવારે સવારે પણ મૃતદેહ લેવા માટે સગાંઓનો જમાવડો જામ્યો હતો, ડેડબોડી વિભાગ પાસે મૃતકોના સગાં હૈયાફાટ રૂદન કરતાં નજરે પડયા હતા. મંગળવારે ૧૫ જેટલી ડેડબોડી સ્મશાને પહોંચાડાઈ હતી. ચારેતરફ મૃતદેહોનો ખડકલો જોઈને વાતાવરણ ભયાવહ લાગતું હતું. છેલ્લા ચાર દિવસમાં જ એકલા સિવિલ હોસ્પિટલમાંથી ૫૨થી ૫૫ ડેડબોડી સ્મશાને અંતિમ વિધિ માટે લઈ જવાઈ છે. શનિવારે ૧૦થી વધુ ડેડબોડી સિવિલમાંથી લઈ જવાઈ હતી, એ વખતે શબવાહિનીના અભાવે કલાકો સુધી રાહ જોવાના કારણે મૃતકોના સગાંઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. બીજા દિવસે રવિવારે ૧૭ જેટલા મૃતદેહો ડેડેબોડી વિભાગ પાસેથી સીધા સ્મશાને લઈ જવાયા હતા.
ત્રીજા દિવસે સોમવારે પણ ૧૦ જેટલા કોવિડ મૃતદેહો હતા અને હવે પહેલી ડિસેમ્બરના મંગળવારના એક જ દિવસમાં ૧૫ ડેડબોડી સિવિલમાંથી સ્મશાને લઈ જવાઈ છે. સરકારી શબવાહિની સિવાય કેટલીક ડેડબોડી ખાનગી વાનમાં પણ લઈ જવાઈ છે. સિવિલની બેદરકારીના કારણે અસારવામાં રહેતાં વૃદ્ધા ઈન્દિરાબહેનનું મોત થયું હોવાનો પરિવારે આક્ષેપ કર્યા હતા, આ વૃદ્ધા કોરોના નેગેટિવ હોવા છતાં તેમને કોરોના પોઝિટિવ વોર્ડમાં ૯ દિવસ સુધી રખાયા હતા, તેમના સગાં ખાનગી એમ્બ્યુલન્સ મારફત સીધા સ્મશાને પહોંચ્યા હતા, આમ કોરોનામાં જ છેલ્લા ચાર દિવસમાં ૫૨થી ૫૫ મૃતદેહો સ્મશાને લઈ જવાયા છે.
કોરોનાના મૃતકોના અંતિમ સંસ્કારમાં વિલંબ ના થાય તે માટે સિવિલમાં હવે પાંચ શબવાહિની મુકાઈ છે, જેના કારણે ભારે વિલંબની સ્થિતિમાં થોડીક રાહત થઈ છે. પહેલાં માત્ર બે જ શબવાહિની મૂકવામાં આવી હતી.
સિવિલમાં કોરોના શંકાસ્પદોના રિપોર્ટ ચાર ચાર દિવસ સુધી અપાતાં જ નથી
સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દીઓના કોરોના ટેસ્ટમાં ત્રણથી ચાર દિવસ સુધીનો વિલંબ થઈ રહ્યો છે, જેના કારણે દર્દીઓની સાથે તેમનાં સગા પણ પરેશાન થઈ રહ્યા છે. તેમની માગણી છે કે, રિપોર્ટ વહેલાં આવે તેવી તંત્રે સવલત ઊભી કરવી જોઈએ. સાણંદ ખાતે રહેતાં ૫૫ વર્ષીય દર્દી દિક્ષીતભાઈને ૨૮મી નવેમ્બરે બપોરે દાખલ કરવામાં આવ્યા હતા, આ દર્દીના સગાનું કહેવું છે કે, પહેલી ડિસેમ્બરના ચાર વાગ્યા સુધીમાં પણ દર્દીનો કોરોના રિપોર્ટ આવ્યો નથી, કંટ્રોલ રૂમમાં પૃચ્છા કરી તો એવો જવાબ મળ્યો કે, મંગળવાર સાંજે પાંચ વાગ્યા સુધીમાં રિપોર્ટ આવે તેવી શક્યતા છે. રાજસ્થાનના પાલીથી આવેલા પરિવારની પણ આવી જ સ્થિતિ છે.
સિવિલમાં દર્દી દસ દિવસથી ગાયબ, સગાંને ધક્કા મારીને કાઢી મુકાયા
અસારવા સિવિલ મેડિસિટી કેમ્પસમાં ૧૯મી નવેમ્બરે નરોડાના સિનિયર સિટિઝન દર્દીને દાખલ કરવામાં આવ્યા હતા, જોકે છેલ્લા દસેક દિવસથી આ દર્દી ગાયબ છે, તેમનો કોઈ પત્તો નથી, જેના કારણે દર્દીના પત્ની હંસાબહેન સિવિલ હોસ્પિટલમાં ચોધાર આંસુએ રડતાં રડતાં રઝળપાટ કરી રહ્યા છે. જોકે તેમને યોગ્ય જવાબ મળવાને બદલે છેલ્લા ત્રણ દિવસથી હડધૂત કરી કાઢી મૂકવામાં આવતાં હોવાનો આક્ષેપ કર્યો હતો. અંતે મંગળવારે દર્દીના આ સગાં સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ કાર્યાલયે પહોંચ્યા હતા, જ્યાં તેમણે રડતાં રડતાં કહ્યું કે, મારા પતિ ક્યાં છે? હોસ્પિટલના કયા વોર્ડમાં છે તે શોધી આપો, આ રજૂઆત બાદ આખરે તપાસ કરતાં મહિલાને દસ દિવસે ખબર પડી હતી કે, તેમના પતિને સિવિલ કેમ્પસની યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. જોકે પરિવાર સાથે વીડિયો કોલથી સંપર્ક થઈ શક્યો ન હોવાનું દર્દીના સગાએ જણાવ્યું હતું. મહિલાનો આક્ષેપ હતો કે, હું તપાસ કરવા માટે હોસ્પિટલમાં જાઉં તો જવાબ આપવાને બદલે સિક્યોરિટીવાળા ધક્કા મારતા હતા. આ પ્રકારનું વર્તન યોગ્ય નથી. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ ગાયબ થવાની ઉપરાછાપરી ઘટનાઓ બની હતી, જેને લઈ દર્દીઓના સગાઓએ હોબાળો મચાવ્યો હતો, અગાઉ સિવિલ કેમ્પસની કેન્સર હોસ્પિટલમાં પણ દર્દીને દાખલ કર્યા હોય અને એક કલાક પછી જઈને કોઈ તબિયત વિશે પૂછે તો એવા જવાબ અપાતો કે, દર્દી અહીંયા દાખલ નથી.
સિવિલમાં લેબ ટેક્નિશિયનનું કોરોનાથી મોત, કુલ ૪ વોરિયર્સનાં મોત
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના સંક્રમણથી રોહિત ખરાડી નામના લેબ ટેક્નિશિયનનું નવેમ્બરના બીજા સપ્તાહમાં મોત થયું છે. આ સાથે જ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં અત્યાર સુધીમાં કુલ ચાર કોરોના વોરિયર્સે જીવ ગુમાવ્યા છે. સૌપ્રથમ હેડ મહિલા નર્સનું મોત થયું હતું, ત્યાર બાદ બે સફાઈ કર્મચારીઓના કોરોનામાં મોત થયાં હતા અને થોડાક દિવસ પહેલાં ટેક્નિશિયનનું મોત થયું હતું, જે ચોથી ઘટના છે તેમ સિવિલ હોસ્પિટલના સૂત્રો કહે છે. સિવિલમાં અત્યારે ૭૯ કોરોના વોરિયર્સ એવા છે જે કોરોનાની સારવાર હેઠળ છે. સૂત્રો કહે છે કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ ૪૬૨થી ૪૬૫ જેટલા કર્મચારીઓ કોરોનામાં લપેટાયા છે, હાલની સ્થિતિમાં ડોક્ટરો- અન્ય સ્ટાફ સહિત કુલ ૭૯ કોરોનાગ્રસ્ત છે, જેમાંથી કેટલાક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે તો કેટલાક હોમ આઈસોલેશન હેઠળ છે. હમણાં જ ફરી પાંચ ડોક્ટરો સિવિલમાં કોરોનામાં લપેટાયા છે. દિવાળી પછી જ કુલ ૬૫ને કોરોનાનો ચેપ લાગ્યો છે.