કોરોનાએ બંધ કરાવ્યો બિઝનેસ તો ઈડલી-સંભારનો સ્ટોલ લગાવ્યો, દર મહિને 50 હજાર કમાણી

0
73
  • ક્યારેક અલાહાબાદમાં ટિફિન સેન્ટર ચલાવતાં હતાં ગીતા જયસ્વાલ, પછી દિલ્હીમાં શરૂ કર્યું કામ, પરંતુ કોરોનાએ બધું બરબાદ કરી નાખ્યું
  • લોકડાઉનમાં ત્રણ મહિનાના એક પેશન્ટની દેખરેખનું કામ કર્યું, સેવિંગ્સ પૂરી થઈ ગઈ હતી, તેથી ઈડલી-સાંભરનો ફૂડ સ્ટોલ લગાવ્યો

આજની કહાની અલાહાબાદનાં ગીતા જયસ્વાલની છે. ક્યારેક તેઓ એક-એક રૂપિયા માટે પરેશાન હતાં. પુત્રીને અભ્યાસ પણ સારી રીતે કરાવી શકતાં નહોતાં. આજે મહિને 50 હજાર રૂપિયા કમાય છે. ટિફિન સેન્ટર શરૂ કરવાથી લઈને ઈડલી-સાંભરના સ્ટોલ સુધીની તેમની કહાની પ્રેરણાદાયી છે. આ કહાની જાણો તેમના જ મુખેથી…

ગીતા કહે છે, આ વાત અલાબાબાદની છે, ત્યારે હું પતિ સાથે રહેતી હતી. એક નાની બાળકી હતી. પતિ જે કમાતા હતા એનાથી માંડ ઘર ચાલતું હતું. મારી પાસે પોતાની મૂળભૂત જરૂરિયાતો પૂરા કરવાના પૈસા પણ રહેતા નહોતા. પુત્રીને સારો અભ્યાસ પણ અમે કરાવી શકતા નહોતા. તેમણે કહ્યું, ‘હું વિચારતી હતી કે એવું શું કરું કે જેનાથી ચાર પૈસા કમાઈ શકું. કોઈએ મને ટિફિન સેન્ટર શરૂ કરવાની સલાહ આપી. હું એક યુવતીને ટિફિન આપવા લાગી. થોડા દિવસ પછી એક પીજીનું કામ મને મળી ગયું. ત્યાં 15 બાળકો માટે ભોજન આપવાનું હતું. ત્યારે હું 1800 રૂપિયામાં ત્રણ ટાઈમ ભોજન આપતી હતી. સવારથી મોડી રાત સુધી મહેનત કરવી પડતી હતી, પરંતુ એનાથી મારી પાસે મહિને આઠથી દસ હજાર રૂપિયા બચવા લાગ્યા હતા.’

ભોજન સારું હતું તો ધીમે-ધીમે ટિફિન વધ્યાં અને સંખ્યા 40 સુધી પહોંચી ગઈ. 2011થી 2016 સુધી આમ જ ચાલતું રહ્યું. પછી એ પીજીનું કામ બંધ થઈ ગયું તો ગ્રાહક પણ ચાલ્યા ગયા. નવા ગ્રાહક મળી રહ્યા નહોતા. અલાહાબાદમાં હું કંઈ બીજું કરી શકતી નહોતી, કેમ કે આબરૂને ઠેસ પહોંચવાનો ડર હતો. મારી એક બહેન દિલ્હીમાં રહેતી હતી તો હું 2016માં જ મારી દીકરીને લઈને દિલ્હી આવી ગઈ. હેતુ સ્પષ્ટ હતો કે ખાનપાનને સંબંધિત કોઈ કામ કરવું છે.’

ગીતાએ આ રીતે બિઝનેસની શરૂઆત કરી હતી. કહે છે, એટલા પૈસા પણ નહોતા કે તેઓ પોતાનો સ્ટોલ રાખી શકે.

દિલ્હીમાં પ્રથમ બિઝનેસ ફેલ થયો
તેઓ કહે છે, હું મારી દિલ્હીવાળી બહેનના ઘરમાં જ રહેવા લાગી અને થોડા દિવસ પછી પૂરી-કચોરી, બ્રેડ પકોડા વેચવાનો સ્ટોલ લગાવ્યો, પણ એ કામ વધારે ચાલ્યું નહીં. ગ્રાહક મળતા નહોતા તો મેં ફરી ટિફિન સેન્ટર શરૂ કરવાનું વિચાર્યુ. જ્યાં રહેતી હતી, ત્યાં બધી જગ્યાએ પોસ્ટર ચિપકાવી દીધાં. અનેક દિવસો પછી એક ઓર્ડર મળ્યો. જેણે ઓર્ડર આપ્યો તે આઈએએસની તૈયારી કરી રહ્યો હતો. તેને ભોજન સારું લાગ્યું તો તેના દ્વારા ઈન્સ્ટિટ્યૂટના અનેક યુવકોએ ટિફિન લેવાનું શરૂ કરી દીધું. મેં સાડાત્રણ હજાર રૂપિયામાં ત્રણ ટાઈમ ભોજન આપવાનું શરૂ કર્યું હતું. કામ સારું સેટ થઈ ગયું હતું. મહિનાના 35થી 40 હજાર રૂપિયા મળવા લાગ્યા હતા. ચાર વર્ષ આ બધું ચાલ્યું પણ માર્ચ 2020માં બધું બંધ થઈ ગયું.

કોરોનાએ ટિફિનનો બિઝનેસ ઝીરો પર લાવી દીધો
તેમણે આગળ કહ્યું, ચાર દિવસમાં જ મારા ટિફિન 60થી ઘટીને 4 થઈ ગયાં. મને તો સમજાતું જ નહોતું કે શું ચાલી રહ્યું છે. ત્યાર પછી કોઈએ કહ્યું કે કોરોના વાઇરસ આવ્યો છે, તેથી બધા જઈ રહ્યા છે. મારું જામેલું કામ બંધ થઈ ગયું. થોડા દિવસમાં જે પૈસા ભેગા કર્યા હતા એ પણ પૂરા થવા લાગ્યા તો હું એક હાર્ટ પેશન્ટની દેખરેખનું કામ કરવા લાગી. તેના ઘરે જ રહેતી હતી. બાળકીને તેની માસી પાસે છોડી આવી હતી. ત્રણ મહિના સુધી ત્યાં જ રહી.

હવે ગીતાનો બિઝનેસ સંપૂર્ણપણે સેટ થઈ ગયો છે. ફૂડ સ્ટોલ માટે જરૂરી સેટઅપ પણ તેમણે ઊભું કરી લીધું છે.

ઈડલી-સંભારના સ્ટોલથી મળી સફળતા, હવે મહિનાનું વેચાણ 90 હજારનું
તેઓ કહે છે, જુલાઈમાં ફરી પોતાના ઘરે આવી તો કંઈ સમજાતું નહોતું કે શું કરું. ભાડું આપવાનું હતું. બાળકીની સ્કૂલ-ટ્યૂશન ફી આપવાની હતી. ભારે હિંમત કરીને મેં ફરી એકવાર ફૂડ સ્ટોલ શરૂ કર્યો, પરંતુ આ વખતે ઈડલી-સંભાર વેચવાનું વિચાર્યું, કેમ કે તેમાં ખર્ચ ઓછો આવે છે અને દરેક વયના લોકો એ પસંદ કરે છે. 28 જુલાઈના કામ શરૂ કર્યું હતું. થોડા દિવસોમાં જ બિઝનેસ સારો સેટ થઈ ગયો. હું શાલિમાર બાગમાં સ્ટોલ લગાવું છું. સાંજે 5થી રાતે 10 વાગ્યા સુધી સ્ટોલ લાગે છે. 40થી 50 ગ્રાહકો આવવા સામાન્ય વાત છે. ઈડલીની સાથે જ ઢોસા પણ વેચું છું. હવે એક દિવસના ત્રણથી સાડાત્રણ હજાર રૂપિયાનો બિઝનેસ છે. બધું કાપીને મહિનાના 40-50 હજાર રૂપિયા બચી જાય છે.

ગીતાએ છેલ્લે જણાવ્યું છે કે સોશિયલ મીડિયા પર વિડિયો બનાવનારા અનેક લોકોએ મને મદદ કરી. આ કામને હવે આગળ વધારવાનું છે. હવે ટિફિન સેન્ટર નહીં ચલાવું. કોરોનાએ પહેલા મારા માટે મોટી મુશ્કેલી સર્જી હતી, પણ એને કારણે જ હું એક નવા બિઝનેસ પર શિફ્ટ થઈ શકી અને અત્યારે બધું બરાબર ચાલી રહ્યું છે. બધાની ઉધારી ચૂકવી દીધી. પુત્રીને કોચિંગ-સ્કૂલની ફી ભરી આપી. તેને વધુમાં વધુ ભણાવવી અને કંઈક બનાવવી એ મારું સપનું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here