- શું જાહેર કાર્યક્રમોમાં બેફામ બનેલા નેતાઓને સુપરસ્પ્રેડર્સ જાહેર કરવા જોઈએ?
- સામાન્ય જનતા લગ્નો માટે નિયમો પાળે છે, નેતાઓ લાજ-શરમ નેવે મુકી દીધી છે
ગુજરાતમાં બેફામ બનેલા કોરોના કહેરને અટકાવવા માટે એકતરફ હાઈકોર્ટ, સુપ્રિમ કોર્ટ તેમજ સરકાર અનેક પ્રકારના કડક તેમજ દંડનીય પગલા ભરી રહી છે. ત્યારે કોરોનાના ખોફ વચ્ચે બેખોફ બનેલા રાજ્યના નેતાઓ જ હાલમાં ગુજરાતના સૌથી મોટા સુપરસ્પ્રેડર્સ તરીકે સામે આવી રહ્યા છે. બીજીતરફ પોલીસ-તંત્ર દ્વારા સામાન્ય વ્યક્તિ જો 5 મિનિટ માટે પણ કોવિડ ગાઈડ લાઈનનો ભંગ કરતો પકડાય તો મોટો દંડ વસૂલી રહ્યા છે, ત્યારે આપણા નેતાઓ પાર્ટીઓ તેમજ જાહેર કાર્યક્રમોમાં ડિસ્ટન્સિંગના લીરા ઉડાવી રહ્યા છે. લોકોને નિયમનું પાલન કરવાનું કહેનાર નેતાઓ જો પોતાની મજા માટે નિયમોના ધજાગરા ઉડાવતા હોય ત્યારે સરકાર કેમ ચુપ્પી સાંધીને બેઠી છે?
નેતાઓ માટે સંક્રમણ જેવો કોઇ શબ્દો જ નથી?
લોકડાઉન-ફર્ફ્યૂ વચ્ચે નેતાઓના સોશિયલ મીડિયામાં બર્થ-ડે પાર્ટી, જાહેર રેલીઓ, લગ્નમાં ભીડ સહિતના વીડિયો વાઈરલ થયા છે. એટલે કે જો જનતા ભૂલ કરે તો દંડ પણ નેતા ભૂલ કરે તો આ સામાન્ય બાબત કહેવાય? બીજીતરફ રાજ્યમાં સંક્રમણ ઘટાડવા માટે ભીડભાડવાળા બજારોને પણ પોલીસ-તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યા છે, બજારો બંધ થતા ગરીબ ધંધાદારીઓને એક ટાઈમ જમવાના પણ ફાફા થયા છે પરંતુ નેતાઓ દ્વારા જાહેરમાં હજારોની સંખ્યા ભેગી કરીને કાર્યક્રમો યોજાય ત્યા સંક્રમણ જેવા શબ્દોની કોઈ જગ્યા નથી. તો શું આ બાબતોની ગંભીરતા સમજી સરકાર તેમજ કોર્ટ દ્વારા આવા નેતાઓ પર લગામ લગાવાશે કે માત્ર સામાન્ય જનતા જ ભોગ બનતી રહેશે.
કોઈએ 2000 લોકો બોલાવ્યા તો કોઈએ માસ્ક વગર ગરબાની મજા લીધી
કોરોના કાળ દરમિયાન છેલ્લા 8 મહિનામાં અનેક નેતાઓએ માસ્ક-સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાળતા ઝડપાયા હતા. તાજેતરમાં જ રાજ્યના પુર્વ મંત્રી કાંતિ ગામીતએ પોતાની પૌત્રીની સગાઈમાં જ 2000 જેટલા મહેમાનો બોલાવી ગરબે ગુમાડ્યા હતા. ત્યારે ખંભાળિયાના એક ઉદ્યોગપતિના દીકરાના રિસેપ્શનમાં સાંસદ પૂનમ માડમ માસ્ક વગર બેખોફ ફરતા નજરે ચઢ્યા છે. આ સિવાય, ભાજપના ધારાસભ્ય આત્મારામ પરમાર, સાંસદ શભૂપ્રસાદ ટુંડીયા, કાઉન્સિલર મનીષ પગાર સહિતના નેતાઓએ માસ્ક-સોશિયલ ડિસ્ટન્સિંગ વગર જાહેર રેલીઓ યોજી હજારો લોકોને ભેગા કર્યા હતા.
રાજ્યના પૂર્વ આદિજાતિમંત્રી કાંતિભાઈ ગામીતની પૌત્રીની સગાઈમાં 2000 લોકો આવ્યાં
રાજ્યના ભાજપના પુર્વ મંત્રી કાંતિ ગામીત
ડોસવાડા ગામે રાજ્યના પૂર્વ આદિજાતિમંત્રી અને સુમુલના ડિરેકટર એવા કાંતિભાઈ ગામીતની પૌત્રીની સગાઈ 30મી નવેમ્બરે ડોસવાડાના ભગત ફળિયામાં કરવામા આવી. આ પ્રસંગે ગાઈડલાઈનનો સંપૂર્ણ ભંગ થયો હતો. સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા જોવા મળ્યા હતા. રાત્રે હજારો લોકો એકત્રિત થઇ ગરબા યોજવામાં આવ્યા હતા. સગાઈના પ્રસંગમાં લોકોએ મોઢે માસ્ક બાંધ્યું ન હતું કે સોશિયલ ડિસ્ટન્સ પણ રાખ્યું ન હતું. આ સગાઈ પ્રસંગના મોટી મેદની સાથેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. હાલમાં વિશ્વ વ્યાપી કોરોના મહામારીને વધતી અટકાવવા સરકાર વિવિધ ગાઈડ લાઇન બહાર પાડે છે. સામાજિક પ્રસંગોએ 100થી વધુ લોકો ભેગા ન થાય એ માટે સૂચના આપી છે. જો કે કોંગ્રેસ હોય કે ભાજપ બંને પક્ષના નેતાઓ ગાઈડલાઈનનો સરેઆમ ભંગ કરે છે. જ્યારે સામાન્ય વ્યક્તિ પાસે આવા જ કારણોસર દંડ વસૂલ કરે છે.

ખંભાળિયાના ઉદ્યોગપતિના દીકરાના રિસેપ્શનમાં પૂનમ માડમ માસ્ક વિના જોવા મળ્યાં.
ભાજપના જામનગરના સાંસદ પૂનમ માડમ
ખંભાળિયાના મોવાણ ગામના ઉદ્યોગપતિના દીકરાના રિસેપ્શનમાં 1 ડિસેમ્બરની રાત્રે ગીતા રબારીનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઈ હતી. ગોજિયા પરિવારના દીકરાના લગ્નના રિસેપ્શનમાં જામનગરના સાંસદ પૂનમ માડમ પણ હાજર રહ્યાં હતાં. હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે સાંસદ જ પોતે જ માસ્ક વગર જોવા મળ્યાં હતાં. માસ્ક મામલે નારાજ હાઈકોર્ટે માસ્ક વિના જોવા મળતા લોકોને કોરોના સેન્ટરમાં કોમ્યુનિટી સારવાર માટે મૂકવા સરકારને નિયમ બનાવવા કહ્યું છે. આમ છતાં આપણા નેતાઓમાં કોઈ જાતની ગંભીરતા નથી. દરરોજ દિવસ ઊગે અને નેતાઓ માસ્ક વિના કે ભીડ કરતા જોવા મળે છે. તો બીજી બાજુ પ્રજાને આકરા દંડ ફટકારવામાં આવી રહ્યાં છે.
ભાજપના ધારાસભ્ય આત્મારામ પરમારની રેલી
ભાજપના ધારાસભ્ય આત્મારામ પરમાર
વડાપ્રધાન અને મુખ્યમંત્રીના માસ્ક પહેરવાના આદેશનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યાં છે. ભાજપના ધારાસભ્ય આત્મારામ પરમારની રેલીમાં જોડાયેલા મંત્રી ગણપત વસાવા બેફામ બનીને જનતામાં કોરોના વહેંચતા હોય તેમ અભિવાદન ઝીલતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. બંને નેતાઓએ ખુલ્લી જીપમાં રેલી કર્યા બાદ ભીડમાં પહોંચી રૂબરૂ મુલાકાત આપી હતી. એક બાજુ સરકારે કર્ફ્યૂ લાગુ કરી લોકોને ઘરમાં પૂરી દીધાં છે ત્યારે સરકારના જ મંત્રી અને ધારાસભ્યો બેજવાબદાર બની ભીડ ભેગી કરી રહ્યા છે. ત્યારે કર્ફ્યૂમાં કેદ જનતા કહી રહી છે કે નેતાઓ હવે તો શરમ કરો.
ભાજપના મંત્રી ગણપત વસાવા અને આત્મારામ પરમાર
ભાજપના ધારાસભ્ય અને મંત્રી ગણપત વસાવા
ભાજપના ધારાસભ્યનો સત્કાર સમારોહ માંડવીની કરંજ ગામની સ્કૂલમાં યોજવામાં આવ્યો હતો. જેમા ભાજપના ગણપત વસાવા તેમજ ધારાસભ્ય આત્મારામ પરમાર પણ પહોંચ્યા હતા. ધારાસભ્ય આત્મારામ પરમાર અને ગણપત વસાવાએ સત્કાર સમારોહને લઇને રેલી યોજી હતી. આ રેલી ખુલ્લી જીપમાં ડીજેના તાલે યોજવામાં આવી હતી. જેમા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના જાહેરમાં ધજાગરા ઉડ્યા હતા. તે સિવાય સ્વાગત સમારોહમાં ભાજપના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડવામાં આવ્યા હતા.
ભાજપના સ્નેહ-મિલન સમારંભમાં સૌરભ પટેલ હાજર રહ્યા હતા
ભાજપના ધારાસભ્ય અને ઊર્જામંત્રી સૌરભ પટેલ
રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી સૌરભ પટેલના સ્નેહ-મિલન કાર્યક્રમમાં પણ નિયમોના લીરેલીરા ઊડ્યા હતા. બોટાદમાં સર્કિટ હાઉસ ખાતે આજે નવા વર્ષના ભાજપના સ્નેહ-મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના ઊર્જામંત્રી સૌરભ પટેલ સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ખુદ સૌરભ પટેલે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો અને બાદમાં લોકોને શિખામણ આપી કે નિયમોનું પાલન કરવાની જવાબદારી પ્રજાની છે. રાજકીય પક્ષોના કાર્યક્રમોમાં કોરોનાના નિયમોનો ભંગ થાય છે તેવા સવાલના જવાબમાં સૌરભ પટેલે જણાવ્યું હતું કે કાર્યક્રમો તો ચાલતા જ રહે છે, પરંતુ આપણે આની અંદર ધ્યાન રાખીને આગળ વધીએ અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખીએ, માસ્ક પહેરીએ તો મારા ખ્યાલમાં આવી કોઈ સમસ્યા આવતી નથી. કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન કરવાની જવાબદારી પ્રજાની છે.
ભાજપના સાંસદ શભૂપ્રસાદ ટુંડીયાની હાજરીમાં કાર્યકરોના ટોળા ઉમટી પડ્યા હતા
ભાજપના સાંસદ શભૂપ્રસાદ ટુંડીયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીઓ દેશને નામ સંબોધન કરી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની અપીલ કર્યાના કેટલાક કલાકોમાં જ ભાજપના નેતાના પ્રચાર કાર્યક્રમમાં ભીડ ભેગી કરી સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યાની ઘટના ગઢડામાં બની છે. તો બીજી તરફ અમરેલીના ચલાલામાં ભાજપના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થતો જોવા મળ્યો હતો. ભાજપના સાંસદ શભૂપ્રસાદ ટુંડીયાની હાજરીમાં કાર્યકરોના ટોળા ઉમટી પડ્યા હતા. ભાજપ કાર્યાલયનું ઉદઘાટન પ્રસંગે અનેક લોકો માસ્ક વગર પણ જોવા મળ્યા હતા. સાંસદ શંભુપ્રસાદ ટુંડીયા ઉપરાંત નારણ કાછડીયા, દિલીપ સંઘાણી સહિતના નેતાઓ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા નજરે ચઢ્યા હતા.
કાઉન્સિલર મનીષ પગારેના જન્મદિવસે કોરોનાની ગાઇડલાઇનનો ભંગ થતો જોવા મળ્યો
ભાજપના કાઉન્સિલર મનીષ પગાર
વડોદરા શહેરના ભાજપના કાઉન્સિલર મનીષ પગારે જન્મદિવસે કરેલા તાયફામાં સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડાવ્યા હતા. અનાજની કીટ લેવા માટે ગરીબ મહિલાઓ ઉમટી પડી હતી. જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોની ઐસી-તૈસી કરી નાખી હતી. એક જ સ્થળે મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી પડતા કોઇ પણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સ જળવાયુ નહોતું. અકોટા વિસ્તારના ભાજપના ધારાસભ્ય સીમાબેન મોહિલે આ કાર્યક્રમમાં હાજર હતા. તેમ છતાં ધારાસભ્ય સહિતના નેતાઓએ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવ્યું નહોતું અને લોકોને શીખ આપતા ભાજપનાં નેતાઓએ જ ન કોરોનાની ગાઇડલાઇનનો ભંગ કર્યો હતો.