કેસમાં સમાધાન કરી રૃપિયા અપાવવા વકીલને ધમકી આપતો માથાભારે શખ્સ

0
42

તમને પતાવીને વિદેશ જતો રહીશ, હું તો કોરોના છું પૈસા લઈને જ જઈશ:સંગ્રામની વકીલને ધમકીકોર્ટમાં ચાલતા કેસમાં સમાધાન કરવા માટે એક સીનિઅર વકીલની ઓફિસે જઈ ધમકી આપનાર બરાનપુરાના માથાભારે શખ્સની સામે મકરપુરા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મકરપુરા ઓએનજીસીની સામે વિમલ સોસાયટીમાં રહેતા સીનિઅર વકીલ શૈલેષ પટેલે  પોલીસને જણાવ્યું છે કે  વારસિયાની એક જમીનના વિવાદમાં વાસુદેવ મેઘવાનીનો હું વકીલ છું અને કોર્ટમાં આ કેસ પેન્ડિંગ છે. મારા અસીલ  વાસુદેવના દસ્તાવેજ ખોટો પુરવાર કરવા માટે સામાવાળા કમળાબેન છત્રસિંહે (રહે.સોખડા, લાલજીપુરા તા.વડોદરા) આ કેસ કર્યા છે.

તા.૨૮-૧૦-૨૦૨૦ના રોજ સવારે સાડા અગિયાર વાગ્યે સંગ્રામસિંહ ચૌહાણ મારી ઓફિસે આવ્યો હતો અને જણાવેલ કે, વારસિયાવાળી જમીનમાં દાવો કરનાર કમળાબેન છત્રસિંહ  દૂરના સગા થાય છે. આ વિવાદમાં તમે અમને રૃપિયા અપાવી દો. તેથી મે સંગ્રામને ના પાડી હતી કે આ દાવામાં હું સામાવાળાનો વકીલ છું મારી સાથે વાત કરવી નકામી છે. દાવો હાલ કોર્ટમાં પેન્ડિંગ છે. કોર્ટનો જે હુકમ આવશે તે માન્ય રાખીશું.

મારા આવા જવાબથી સંગ્રામે ઉશ્કેરાઇને ધમકી આપતા કહ્યું હતું કે, તમે જાણો છો હું  કોણ છું. તમારે પૈસા તો આપવા જ પડશે, નહીંતર તમને પતાવીને હું વિદેશ જતો રહીશ. ત્યારબાદ સંગ્રાહમે મેસેજ કરીને હેરન કરવાનું ચાલુ રાખ્યું હતું. ગત ૧૧મી નવેમ્બરે ફરીથી  સંગ્રામ મારી  ઓફિસે આવ્યો હતો અને અમારી પાસેથી બળજબરીથી પૈસાની માંગણી કરી હતી.  પરંતુ મેં ભારપૂર્વક ના પાડી દેતા સંગ્રામે ધમકી  આપતા કહ્યું હતું કે આ કેસમાં કદાચ  બીજા બધા પણ આવ્યા હશે. પણ હું કોરોના છું. પૈસા તો લઇને જ જઇશ. ત્યારબાદ સંગ્રામે મેસેજ કરીને ધમકીઓ આપવાનું ચાલુ રાખ્યુ હતું.  મકરપુરા પોલીસે ઉપરોક્ત ફરિયાદના આધારે સંગ્રામ ભોમનાથ ચૌહાણ (રહે.બરાનપુરા) સામે ગુનો દાખલ કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.  અગાઉ પણ મારી ગેરહાજરીમાં બે વાર સંગ્રામ મારી ઓફિસે આવી ગયો હતો અને   મારા  સ્ટાફ સાથે  તોછડાઇભર્યુ વર્તન કરીને જતો રહ્યો હતો. આ  માણસ મને ઘણી વખત મધરાતે બાર વાગે પણ ફોન કરી અપશબ્દો બોલી ધમકી આપતો હતો. એ દરમિયાન તે દારૃ પીધેલી  અવસ્થામાં હોય તેમ એની જીભ થોથરાતી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here