કેન્દ્ર-ખેડૂતો વચ્ચે આઠ કલાકની બેઠક છતાં ‘ગાંઠ’ યથાવત્

0
66

 વિવાદ થાળે પાડવા કેન્દ્ર-ખેડૂતો વચ્ચે કાલે ફરી બેઠક યોજાશે

– ખેડૂતો સરકારી ભોજન ન જમ્યા : પંજાબના પૂર્વ સીએમ બાદલ-ઢીંડસાએ પદ્મ એવોર્ડ પરત કર્યા

ઉકેલ નહીં આવે તો આગામી બેઠકના બહિષ્કારની ધમકી, ત્રણેય કાયદા પરત લેવાની માગ પર સંગઠનો મક્કમ

એમએસપીમાં કોઈ ફેરફાર નહીં થાય, સરકારી મંડીઓને વધુ મજબૂત કરાશે, ખાનગી મંડીઓ પણ આવશે : કૃષિ મંત્રી તોમર

કૃષિ કાયદાઓ પરત લેવા સહિતની માગણીઓ સાથે રાજધાની દિલ્હીની સરહદો પર ચક્કાજામ કરનારા ખેડૂત સંગઠનો અને કેન્દ્ર સરકાર વચ્ચે ગુરૂવારે ચોથા તબક્કાની લગભગ આઠ કલાક સુધી બેઠક ચાલી હતી, છતાં કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે મડાગાંઠ યથાવત્ રહી હતી.

હવે શનિવારે બપોરે 2.00 વાગ્યે પાંચમા તબક્કાની બેઠક યોજાશે. બેઠક બાદ ખેડૂત સંગઠનો ત્રણેય કૃષિ કાયદાઓ પાછા લેવાની માગ પર અડગ રહ્યા હતા અને તેમણે બેઠક દરમિયાન સરકારની ભોજન, ચા, પાણીની સુવિધાઓ લેવાનો પણ ઈનકાર કરી દીધો હતો. ખેડૂત નેતાઓએ જમીન પર બેસીને લંગરમાંથી લાવેલું ભોજન કર્યું હતું. 

ખેડૂત આંદોલનને સમર્થન આપતાં ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલ તેમજ અકાલી દળના અસંતુષ્ટ નેતા અને રાજ્યસભાના સાંસદ સુખદેવસિંહ ઢીંડસાએ તેમના ‘પદ્મ એવોર્ડ’ પરત કરી દીધા હતા. 

દિલ્હીની સરહદો પર આંદોલન કરી રહેલા ખેડૂતોને મનાવવા માટે ગુરૂવારે દિલ્હીના વિજ્ઞાાન ભવનમાં ત્રણ કેન્દ્રીય મંત્રીઓ અને 40 કૃષિ સંગઠનોના નેતાઓ વચ્ચે ચોથા તબક્કાની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સરકાર અને ખેડૂત નેતાઓએ તેમના પક્ષ રજૂ કર્યા હતા.

કેન્દ્ર સરકારે ખેડૂત સંગઠનોને તેમની યોગ્ય ચિંતાઓનો ઉકેલ લાવવાની ખાતરી આપી હતી, પરંતુ ખેડૂત સંગઠનોએ સપ્ટેમ્બરમાં ઉતાવળે રજૂ કરાયેલા કૃષિ કાયદાઓમાં રહેલી કેટલીક ખામીઓ પર ભાર મૂક્યો હતો અને આ કાયદાઓને પરત લેવાની માગણી કરી હતી. બેઠક પછી કૃષિ મંત્રી તોમરે કહ્યું હતું કે, આ બેઠકમાં કેટલાક મુદ્દાઓ પર સહમતી થઈ છે. આગામી બેઠક શનિવારે બપોરે 2.00 વાગ્યે યોજાશે.

બીજી બાજુ બેઠકમાંથી બહાર આવ્યા પછી કૃષિ સંગઠનોના નેતાઓએ સૂત્રોચ્ચાર કરતાં જણાવ્યું હતું કે મડાગાંઠ યથાવત્ રહી છે અને તેમણે ગુરૂવારની બેઠકમાંથી કોઈ ઉકેલ નહીં આવે તો આગામી બેઠકનો બહિષ્કાર કરવાની ધમકી આપી હતી. ઓલ ઈન્ડિયા કિસાન સંઘર્ષ સંકલન સમિતિના સભ્ય અને મહારાષ્ટ્ર તથા ગુજરાતના ખેડૂતોનું પ્રતિનિિધત્વ કરતાં પ્રતિભા શિંદેએ જણાવ્યું હતું કે, ‘અમારા તરફથી ચર્ચા પૂરી થઈ ગઈ છે. આજની બેઠકમાંથી કોઈ ઉકેલ નહીં આવે તો તેઓ આગામી બેઠકોમાં ભાગ નહીં લે.’

કૃષિ મંત્રી નરેન્દ્ર તમોરે જણાવ્યું કે, સરકારને ખેડૂતોની ચિંતા છે. ખેડૂતોને શંકા છે કે નવા કાયદાથી એપીએમસીની વ્યવસૃથા ખતમ થઈ જશે. જોકે, સરકાર એપીએમસીને કેવી રીતે વધુ મજબૂત કરી શકાય અને તેનો ઉપયોગ વધે તે અંગે વિચારણા કરશે. નવા કાયદામાં ખાનગી મંડીઓની જોગવાઈ છે. નવા કાયદા હેઠળ કોઈ વિવાદ થાય તો એસડીએમ કોર્ટમાં જવાની જોગવાઈ છે. પરંતુ ખેડૂતો જિલ્લા અદાલતમાં જવાની માગણી કરે છે. સરકાર આ અંગે વિચારણા કરશે. 

તેમણે ઉમેર્યું હતું કે, ખેડૂતોએ પરાલી ઓર્ડિનન્સ અને વિદ્યુત એક્ટ અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. સરકાર આ મુદ્દાઓ પર તેમની સાથે ચર્ચા કરવા તૈયાર છે. સરકારે ખેડૂતોને ખાતરી આપી છે કે એમએસપીમાં કોઈ ફેરફાર નહીં થાય. નાના ખેડૂતોના જમીન છીનવાઈ જવાના ડરને દૂર કરવા પણ સરકાર તૈયાર છે. તેમણે ખેડૂતોને આંદોલન પાછું ખેંચી લેવા વિનંતી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here