ઓકટોબરમાં મ્યુચ્યુઅલ ફન્ડસ દ્વારા ઈક્વિટીસમાં વેચવાલીનો મારો ચાલુ

0
154

 ફન્ડ હાઉસો ભારતીય શેરબજારમાં પ્રથમ વખત નેટ સેલર તરીકે જોવા મળશે

ઓકટોબરમાં સતત  પાંચમાં  મહિને મ્યુચ્યુઅલ ફન્ડસ દ્વારા ઈક્વિટીસમાં વેચાણનો મારો ચાલુ રહ્યો હતો અને સમાપ્ત થયેલા મહિનામાં ઈક્વિટી બજારમાંથી ફન્ડોએ રૂપિયા ૧૪૩૪૪ કરોડ ઘરભેગા કર્યા હતા. માર્ચ ૨૦૧૬ બાદ આ સૌથી મોટી માસિક વેચવાલી રહી છે. ૨૦૧૬ના માર્ચમાં ફન્ડ હાઉસોએ ઈક્વિટી  બજારમાંથી રૂપિયા ૧૦૧૯૮ કરોડનું રોકાણ પાછું ખેંચી લીધું હતું.

વર્તમાન કેલેન્ડર વર્ષની વાત કરીએ તો, ઈક્વિટીસમાં મ્યુચ્યુઅલ ફન્ડસનો નેટ ઈન્ફલોસ રૂપિયા ૨૬૭૧ કરોડ રહ્યો છે. જો નાણાં પાછા ખેંચવાની માત્રા ચાલુ રહેશે તો સાત વર્ષના ગાળા બાદ ફન્ડ હાઉસો ભારતીય શેરબજારમાં પ્રથમ વખત નેટ સેલર તરીકે જોવા મળશે.

આ અગાઉ ૨૦૧૩માં ફન્ડોએ રૂપિયા ૨૧૦૮૨ કરોડની ઈક્વિટીસનું વેચાણ કર્યું હતું. વર્તમાન વર્ષના જુનથી મ્યુચ્યુઅલ ફન્ડસે રૂપિયા ૩૭૩૮૮ કરોડની ઈક્વિટીસનું વેચાણ કર્યું છે. વર્તમાન વર્ષના જાન્યુઆરીથી માર્ચમાં ફન્ડોએ ઈક્વિટીસમાં રૂપિયા ૪૧૫૩૩ કરોડનું નેટ રોકાણ કર્યું હતું એમ સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના આંકડા જણાવે છે. 

ઘરઆંગણે આર્થિક સ્થિતિ ધૂંધળી હોવા છતાં બજાર ઊંચે જઈ રહ્યું છે તથા અમેરિકાની ચૂંટણીમાં અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખી ફન્ડવાળાની વેચવાલી રહી છે. 

કોરોનાવાઈરસની આર્થિક અસર વચ્ચે રિટેલ રોકાણકારો પોતાની મેળે રોકાણ કરવા લાગતા મ્યુચ્યુઅલ ફન્ડો છેલ્લા કેટલાક મહિનાથી સાવચેતી ધરાવતા થયા છે એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું. મ્યુચ્યુઅલ ફન્ડો વેચવાલ રહ્યા છે ત્યારે બીજી બાજુ વિદેશી સંસ્થાકીય રોકાણકારો ભારતીય ઈક્વિટીસમાં જંગી ખરીદી કરી રહ્યા છે. વર્તમાન કેલેન્ડર વર્ષમાં વિદેશી રોકાણકારોએ  રૂપિયા ૪૭૮૮૭ કરોડનું રોકાણ કર્યું છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here