એરફોર્સે એક સાથે દસ આકાશ મિસાઈલ ફાયર કરી યુદ્ધ-માહોલનું પરીક્ષણ કર્યું

0
77

 ગલવાન પહેલાની સ્થિતિ સુધી ચીની સૈન્ય પાછુ ધકેલવા ભારત મક્કમ

– મુદ્દો ગૂંચવાડાભર્યો હોવાથી ઉકેલ આવતા સમય લાગી શકે છે, 1986માં ભારત-ચીન વિવાદ નવ વર્ષે ઉકલ્યો હતો : વિદેશમંત્રી

ઈન્ડિયન એરફોર્સે આજે એક સાથે દસ આકાશ મિસાઈલ ફાયર કરીને યુદ્ધ જેવા માહોલનું પરીક્ષણ કર્યું હતું. સામાન્ય સંજોગોમાં એક  સમયે એક મિસાઈલનું પરીક્ષણ થતું હોય છે. પણ યુદ્ધની સ્થિતિમાં તો ગમે ત્યાંથી ગમે ત્યારે મિસાઈલ ફાયર કરવા પડે.

સ્વદેશમાં બનેલા આકાશ મિસાઈલનું પરીક્ષણ આંધ્ર પ્રદેશમાં આવેલી સુર્યલંકા ટેસ્ટ ફાયરિંગ રેન્જમાં કરવામાં આવ્યું હતું. દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું હતું કે ભારત-ચીન વચ્ચે મડાગાંઠ થોડી ગૂંચવાડા ભરી છે, સાવ સીધી સરળ નથી. માટે ઉકેલ આવતા વાર લાગી શકે છે. તેમાં ચિંતાનુ કોઈ કારણ નથી.

તેમણે યાદ કરાવ્યું હતું કે 1986માં ભારત-ચીનના સૈનિકો તવાંગની સમુદ્રોંગચો ખીણમાં સામસામે આવી ગયા હતા. એ મુદ્દાનો ઉકેલ આવતા આવતા નવ વર્ષ નીકળી ગયા હતા. એ રીતે ગલવાનમાં પણ ઉકેલ આવતા લાંબો સમય લાગી શકે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ભારત તેની ડિમાન્ડ પર મક્કમ છે.

ભારતે ચીનને દરેક વાટાઘાટ વખતે કહ્યુ છે કે ગલવાન સંઘર્ષ પહેલા ચીની સૈનિકો જેટલે દૂર હતા ત્યાં સુધી પાછા ખસે પછી જ ભારતીય સૈનિકો પીછેહટ કરશે. ત્યાં સુધી ભારતીય સૈનિકો એલએસી પરથી ખસકવાના નથી. અમેરિકાએ બે દિવસ પહેલા વધુ એક વાર કહ્યુ હતુ કે ગલવાન સંઘર્ષ એ ચીન દ્વારા પૂર્વનિયોજિત કાવતરૂં હતું.

એરફોર્સે આકાશ ઉપરાંત ખભા પર રાખીને ફાયર કરી શકાતા ઈગ્લા મિસાઈલનું પણ પરીક્ષણ કર્યું હતું. આકાશ અને ઈગ્લા બન્નેનું કામ દુશ્મન વિમાન તોડી પાડવાનું છે.  પરીક્ષણ દરમિયાન તેણે ડમી વિમાનો સફળતાપૂર્વ તોડી પાડયા હતા.  ગલવાનની માફક 1986માં ચીની સૈન્ય અરૂણાચલની સમુગ્રોંગ ખીણમાં ઘૂસી ગયું હતું અને એ ભૂમિ પોતાની હોવાનો દાવો કર્યો હતો. બાદમાં ચીની સૈનિકો પાછા ખસવા તૈયાર થયા હતા. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here