એક જ દિવસના ૮ મુકાબલામાં ૩૫ ગોલ નોંધાયા, લિવરપૂલે એટલાન્ટાને ૫-૦થી હરાવ્યું

0
151

ટોચની બે ક્લબ લિવરપૂલ અને બાયર્ન મ્યૂનિચે ચેમ્પિયન્સ લીગ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં પોતપોતાના હરીફને કારમો પરાજય આપ્યો હતો. બીજી તરફ રિયલ મેડ્રિડે વર્તમાન સિઝનમાં પોતાનો પ્રથમ વિજય હાંસલ કર્યો હતો. લિવરપૂલે ગયા વર્ષની ચેમ્પિયન્સ લીગની ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવનાર એટલાન્ટાને ૫-૦થી પરાજય આપ્યો હતો. બંને ટીમો વચ્ચે આ પ્રથમ મુકાબલો રહ્યો હતો. પોર્ટુગલના સ્ટ્રાઇકર ડિએગો જોટાએ હેટ્રિક નોંધાવી હતી. સપ્ટેમ્બરમાં લિવરપૂલ સાથે જોડાયા બાદ તેણે તમામ પ્રકારની ટૂર્નામેન્ટમાં ૧૦ મેચ રમી છે અને તેમાં સાત ગોલ નોંધાવ્યા છે. ગ્રૂપ-ડીની આ મેચમાં ૨૦૧૯ની ચેમ્પિયન ટીમ તરફથી મોહમ્મદ સાલેહ તથા સાદિયો માનેએ ગોલ નોંધાવ્યા હતા. લિવરપૂલના આ સતત ત્રીજો વિજય છે અને નવ પોઇન્ટ સાથે તેણે પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે. મંગળવારે રમાયેલા આઠ મુકાબલામાં ૩૫ ગોલ નોંધાયા હતા. આ એક જ દિવસમાં નોંધાયેલા સર્વાધિક ગોલના રેકોર્ડથી બે ગોલ ઓછા છે.

ગ્રૂપ-બીમાં ૧૩ વખતની ચેમ્પિયન રિયલ મેડ્રિડે રોડ્રિગોએ છેલ્લી પળોમાં નોંધાવેલા ગોલની મદદથી ઇન્ટર મિલાનને ૩-૨થી પરાજય આપ્યો હતો. બંને ટીમો ૮૦મી મિનિટ સુધી ૨-૨ના સ્કોરથી સરભર રહી હતી. વર્તમાન ચેમ્પિયન બાયર્ન મ્યૂનિચે જેરોમ બોન્ટેગે, લેરોય સાને, રોબર્ટ લેવાન્ડોવસ્કી તથા લુકાસ હર્નાન્ડેઝે અંતિમ ૧૫ મિનિટમાં કરેલા ગોલની મદદથી ગ્રૂપ-એમાં આરબી સાલ્ઝબર્ગને ૬-૨થી હરાવી હતી. માન્ચેસ્ટર સિટીએ ઓલંપિયાકોસને ૩-૦થી તથા બોરુસિયા મોનશેંગલાબાખે શખ્તાર ડોનેત્સકને ૬-૦થી પરાજય આપ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here