– ગુજરાત યુનિ.ની સિન્ડિકેટમાં નિર્ણય લેવાયો
– પૂર્વ પરીક્ષાના 50 ટકા-એસાઈમેન્ટના 50 ટકાના આધારે રિઝલ્ટ તૈયાર થશે : રૂપરેખા તૈયાર કરી UGCને પણ જાણ કરાશે
ગુજરાત યુનિ.ના યુજી-પીજીના પ્રથમ અને બીજા વર્ષના હજારો વિદ્યાર્થીઓને મેરિટ બેઝ પ્રમોશન નહી આપવામા આવે. એક્ઝામ સબમીશનના આધારે મૂલ્યાંકન થશે. એક્ઝામ સબમીશનમાં વિદ્યાર્થીઓ પાસેથી એસાઈમેન્ટ લખાવાશે.આ માટે ડીનની કમિટીએ સૂચવેલા સૂચનોના આધારે એક નિશ્ચિત પોલીસી-રૂપરેખા તૈયાર કરાશે અને યુજીસીને પણ જાણ કરાશે.
યુજીસીએ આમ ચાર મહિના પહેલા જ પરીક્ષા અને મેરિટ બેઝ પ્રમોશન માટે ગાઈડલાઈન આપી દીધી હતી પરંતુ ગુજરાત યુનિ.દ્વારા એક્સટર્નલના હજારો વિદ્યાર્થીઓને રેગ્યુલરના વિદ્યાર્થીઓની જેમ મેરિટ બેઝ પ્રમોશન આપવુ કે પરીક્ષા લેવી તે મુદ્દે હજુ સુધી નિર્ણય લેવાયો ન હતો.આજે યુનિ.ની મળેલી ઓનલાઈન સીન્ડીકેટ બેઠક અને એકેડમિક કાઉન્સિલની બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઈ હતી.
એક્સટર્નલના વિદ્યાર્થીઓના ઈન્ટરનલ માર્કસ ન હોવાથી તેઓને મેરિટ બેઝ પ્રમોશન ન આપી શકાય અને બીજી બાજુ હજારો વિદ્યાર્થીઓ હોવાથી યુનિ.લેખિત ઓફલાઈન પરીક્ષા પણ કોરોનામાં લઈ શકે તેમ નથી.જ્યારે ઓનલાઈન પરીક્ષા તો યુનિ.માટે કપરૂ કામ છે.જેથી હવે તમામ ડીનના સૂચનાનો આધારે હાલ પ્રાથમિક તબક્કે એવુ નક્કી કરાયુ છે કે એક્સ્ટર્નલના વિદ્યાર્થીઓની યુનિ.ની અગાઉની સેમેસ્ટર પરીક્ષાના 50 ટકા અને એસાઈમેન્ટના 50 ટકા ગણી મૂલ્યાંકન કરવુ.
વિષયવાર એસાઈમેન્ટ તૈયાર કરવા અને ઓનલાઈન આપવા કે ઓફલાઈન આપવા તેમજ એસાઈમેન્ટનું માળખુ કઈ રીતે રાખવુ તે સહિતના મુદ્દે હવે એક રૂપરેખા તૈયાર કરાશે.
અન્ય કેટલીક યુનિ.ઓએ ઓછા વિદ્યાર્થીઓ હોવાથી એકસ્ટર્નલમાં પરીક્ષા લીધી છે પરંતુ ડિસ્ટન્સ લર્નિંગ માટેની સરકારી યુનિ. એવી આંબેડકર ઓપન યુનિ.દ્વારા એસાઈમેન્ટની ફોર્મ્યુલા અપનાવાઈ હોઈ તેના મોડયુલ પર ગુજરાત યુનિ. આગળ વધી છે. મહત્વનું છે કે યુનિ.દ્વારા હંમેશા રૂબરૂ સીન્ડીકેટ બેઠક મળતી હોય છે ત્યારે મોટા ભાગે એક કલાક જેટલી બેઠક ચાલતી હોય છે.
વાતોના વડા સાથે નાસતાની જયાફત વચ્ચે પુરી થતી બેઠક આજે ઓનલાઈન મળી ત્યારે બે કલાકથી વધુ ચાલી હતી.જેમાં 167 કર્મચારીના લાભો મુદ્દે તેમજ કર્મચારીઓના વધારાના ભથ્થા મુદ્દે અને હંગામી કર્ચમારીઓની ભરતી સહિતના મુદ્દે સભ્યો વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી અને એક તબક્કે ભાજપ-કોંગ્રેસના સભ્ય સામસામે પણ આવ્યા હતા.
જાતિય સતામણીના કેસમાં પ્રો.ભટ્ટને લીગલ અભિપ્રાય બાદ ટર્મિનેટ કરાશે
ગુજરાત યુનિ.ના સાયન્સ ફેકલ્ટીના પ્રોફેસર ડૉ.વશિષ્ઠ ભટ્ટ સામે પી.એચડીની વિદ્યાર્થિનીએ જાતિય સતામણીની અને લંપટવેડા કર્યાની ફરિયાદ કરી હતી.આ ફરિયાદ બાદ યુનિ.ની આઈસીસી દ્વારા અપાયેલા રિપોર્ટના આધારે અને અન્ય તપાસના આધારે સસ્પેન્ડ કરવામા આવ્યા હતા ત્યારબાદ તેની સામે પૂર્વ જજની અધ્યક્ષતામાં તપાસ થઈ હતી અને જેનો પણ રિપોર્ટ પણ પ્રોફેસરને દોષિત પુરવાર કરવા મુજબનો આવી ગયા બાદ અગાઉની સીન્ડીકેટમાં તેમને ટર્મિનેશન પહેલા જવાબ આપવા શો કોઝ નોટિસ અપાઈ હતી.જો કે પ્રોફેસરે ગત જુલાઈમાં જવાબ આપવા માટે વધુ સમય માંગ્યો હતો. દરમિયાન હાઈકોર્ટમાં પીટિશન પણ થઈ હતી પરંતુ જે હાઈકોર્ટે કાઢી નાખતા અને યુનિ.એલીધેલ લીગલ અભિપ્રાય મુજબ હવે વધુ સમય આપી નહી શકાય.આજની બેઠકમાં હવે તેમને ટર્મિનેટ કરવા માટેની પ્રક્રિયા કરવા લીગલ અભિપ્રાય લેવાનું નક્કી કરાયુ છે.
વધુ નવા 12 કોર્સીસ શરૂ કરાયા
ગુજરાત યુનિ.દ્વારા વધુ નવા કેટલાક કોર્સીસ શરૂ કરવામા આવ્યા છે અને જેને આજની ઈસી-એસીની મીટિંગ મંજૂરી મળી હતી.આ કોર્સમાં વાઈલ્ડ લાઈફ બાયોલોજી અને કન્ઝર્વેશન, ઈમર્જિંગ સાયન્સ એન્ડ ટેકનોલોજી, એમએસસી સાયબર સિક્યુોરિટી અને ફોરેન્સિંક ફાઈવ યર પ્રોગ્રામ, ડિઝાઈનિંગ, સ્કિલ ફાઉન્ડેશન પ્રોગ્રામ, એમબીએ ઈન પબ્લિક પોલીસી, એમબીએ ઈન બિઝનેસ ઈકોનોમિક્સ, એમબીએ ઈન હોમલેન્ડ સિક્યોરિટી, એમબીએ ઈન ઈન્ટલીજન્સ એન્ડ એનાલિટિક્સ, ઈન્ટિગ્રેટેડ પીજી યોગિક સાયન્સ કોર્સ, શરૂ કરાયો છે. આ ઉપરાંત નેવી-ડિફેન્સ લગતો કોર્સ અને નૈસર્ગિંક ખેતી તથા સપ્લાય ચેન મેનેજમેન્ટનો કોર્સ પણ શરૂ કરવામા આવનાર છે.
પરીક્ષા ફોર્મ ન ભરી શકનારા વિદ્યાર્થીઓને ભરવા તક અપાશે
ગુજરાત યુનિ.દ્વારા માર્ચ-એપ્રિલમાં લેવાતી યુજી-પીજીની વિવિધ કોર્સની વિવિધ સેમેસ્ટરની ફાઈનલ પરીક્ષા પહેલા ફોર્મ ભરાય છે પરંતુ કોરોનાને લીધે છેલ્લી ઘડીએ પરીક્ષા ફોર્મ ન ભરી શકનારા અનેક વિદ્યાર્થીઓને યુનિ.ખાસ કિસ્સામાં પરીક્ષા ફોર્મ ભરવા તક આપશે અને જેઓનું અન્ય વિદ્યાર્થીઓની જેમ મેરિટ બેઝ પ્રમોશન રિઝલ્ટ તૈયાર થશે.પ્રથમ અને બીજા વર્ષના જે રેગ્યુલર વિદ્યાર્થીઓને મેરિટ બેઝ પ્રમોશન અગાઉની ટર્મની પરીક્ષા અને ચાલુ ટર્મની ઈન્ટરનલ પરીક્ષાના આધારે મળ્યુ છે તે મુજબ આ પરીક્ષા ફોર્મ ભરવામાં બાકી રહેલા વિદ્યાર્થીઓને પણ અપાશે.કારણકે આ વિદ્યાર્થીઓએ ઈન્ટરનલ પરીક્ષા આપી છે પરંતુ યુનિ.ની પરીક્ષાના ફોર્મ ભર્યા નથી.
સિન્ડિકેટમાં આ મહત્વના નિર્ણયો લેવાયા
* નવી શિક્ષણ નીતિ મુદ્દે વેબિનાર,ચર્ચાઓનું આયોજન કરવુ અને યુનિ.કક્ષાએ કમિટી હેઠળ કામગીરી કરવી.
* યુનિ.ના કર્મચારીઓ-પ્રાધ્યાપકોને રીસર્ચ , પેટન્ટ, પબ્લિકેશનના સંદર્ભમાં ખાસ પ્રોત્સાહક પુરસક્ર આપવા અને પ્રશિસ્ત્ર પત્ર આપવા
* યુનિ.માં સ્વામી વિવેકાનંદ ચેર યુજીસીના સહયોગથી પ્રારંભ કરાશે અને જે માટે પ્રક્રિયા થશે.
* યુનિ.માં ટીચિંગ લર્નિંગ અને કોમ્યુનિકેશન સેન્ટરની સ્થાપના કરવામા આવશે. યુનિ.ને ટોપ 100માં રેન્કિગ મળ્યુ હોવાથી હવે યુનિ.પોતાની રીતે અલાયદા ઓનલાઈન કોર્સીસ શરૂ કરી શકશે.
* કોમર્સમાં ચાર રાઉન્ડ બાદ હવે ખાલી બેઠકો મુદ્દે તમામ નિર્ણયની સત્તા કુલપતિને સોંપવી.