ઉડ્ડયન ઉદ્યોગને રૂ.21000 કરોડની જંગી ખોટ જવાનો અંદાજ

0
42

આગામી નાણાં વર્ષમાં દેવાબોજ વધી રૂપિયા ૫૦,૦૦૦ કરોડ પર પહોંચવા ધારણા

આવકમાં ઘટાડા અને ઊંચા ફિક્સ્ડ ખર્ચને પરિણામે વર્તમાન નાણાં વર્ષમાં ભારતના ઉડ્ડયન ઉદ્યોગને રૂપિયા ૨૧૦૦૦ કરોડની ખોટ જવાનો અંદાજ છે. કોરોનાને કારણે પ્રવાસ પ્રતિબંધો લાગુ કરાતા અને પર્યટન ક્ષેત્ર પર પડેલી અસરથી વિમાની સેવાઓની આવકમાં ધરખમ ઘટાડો થયો છે.

ગયા નાણાં વર્ષમાં દેશના ઉડ્ડયન ક્ષેત્રએ રૂપિયા ૧૨૭૦૦ કરોડની ખોટ કરી હતી. નાણાં વર્ષ ૨૦૨૧-૨૨માં ઉડ્ડયન ક્ષેત્રનો દેવાબોજ વધી રૂપિયા ૫૦,૦૦૦ કરોડ પર પહોૅચવા એક રેટિંગ એજન્સી દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં અંદાજ મુકાયો છે.

જંગી દેવાબોજ તથા ખોટને ધ્યાનમાં રાખી ઉદ્યોગને રૂપિયા ૩૫૦૦૦ કરોડથી રૂપિયા ૩૭૦૦૦ કરોડના વધારાના ભંડોળની આવશ્યકતા રહેશે.  લોકડાઉન ખૂલી ગયા બાદ તથા ચાર્ટર્ડ અને કારગો સેવાને પરિણામે વિમાનીસેવા કંપનીઓની દૈનિક ખોટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

ઊતારૂઓની અવરજવરમાં વધારો, એવિએશન ટર્બાઈન ફ્યુઅલના ભાવમાં ઘટાડો  તથા કોસ્ટ કટિંગના પગલાંને કારણે વર્તમાન ત્રિમાસિક ગાળામાં દૈનિક નુકસાનીનો આંક ઘટવાની ધારણાં રખાઈ રહી છે. 

કોરોનાનો ડર ઘટવા સાથે વિમાની ઊતારૂની સંખ્યામાં તબક્કાવાર વધારો થવાની રિપોર્ટમાં શકયતા વ્યકત કરવામાં આવી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here