ઈઝરાયેલી પીએમ નેતાન્યાહૂએ રાતોરાત સાઉદી જઈને ક્રાઉનપિન્સ સાથે ગુપ્ત વાતચીત કરી

0
52

નેતાન્યાહૂએ પહેલી વખત સાઉદી અરબનો રાજકીય પ્રવાસ કર્યો

સાઉદી અરબના નિયોમ શહેરમાં મળેલી ગુપ્ત બેઠકમાં અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિઓ હાજર રહ્યાનો દાવો


ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂએ રાતોરાત સાઉદી અરેબિયા જઈને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે ગુપ્ત બેઠક  કરી હતી. એ બેઠકમાં અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયો પણ હાજર હતા. આવો દાવો સાઉદ અરબના અખબારોએ કર્યો હતો. ઈઝરાયેલના અધિકારીઓને ટાંકીને પણ આવા અહેવાલો પ્રસિદ્ધ થયા હતા.
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂએ રાતોરાત ગુપ્ત રીતે સાઉદીનો પ્રવાસ કર્યો હતો અને સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે બેઠક યોજી હતી. મીડિયા અહેવાલોમાં દાવો થયો કે સાઉદીનો પ્રવાસ કરનારા બેન્જામિન નેતાન્યાહૂ પ્રથમ ઈઝરાયેલી વડાપ્રધાન છે. નેતાન્યાહૂએ ગલ્ફ કન્ટ્રીઝ સાથે સંબંધો સુધારવાની પહેલ કરી હતી, પરંતુ તેમણે રાતોરાત આ પ્રવાસ કર્યો તેને લઈને અનેક અટકળો શરૃ થઈ હતી.
મીડિયા અહેવાલોમાં દાવો તો ત્યાં સુધી થયો હતો કે એ ગુપ્ત બેઠકમાં અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિઓ પણ હાજર હતા. માઈક પોમ્પિઓ થોડા દિવસ પહેલાં જ ઈઝરાયેલના પ્રવાસે હતા. ઈઝરાયેલી પબ્લિક બ્રોડકાસ્ટર કેને પણ આ દાવાને સમર્થન આપ્યું હતું. બ્રોડકાસ્ટરે ઈઝરાયેલના અધિકારીઓના નામ આપ્યાં ન હતાં, પરંતુ અધિકારીઓને ટાંકીને દાવો કર્યો હતો કે બેન્જામિન નેતાન્યાહૂ ઉપરાંત જાસૂસી સંસ્થા મોસાદના વડા યોસ્સી કોહેન પણ એ બેઠકમાં હાજર રહ્યા હતા. જોકે, નેતાન્યાહૂ કે ક્રાઉન પ્રિન્સની ઓફિસમાંથી એ અંગે કોઈ જ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું ન હતું.
નેતાન્યાહૂ ટ્રમ્પની નીતિઓનું સમર્થન કરતા આવ્યા છે. એકથી વધુ વખત નેતાન્યાહૂએ ઈરાન સાથે ટ્રમ્પે કરાર તોડયા તેને યોગ્ય ઠેરવ્યા છે. ટ્રમ્પે પણ ઈઝરાયેલને પ્રાથમિકતા આપવાનું વલણ શરૃઆતથી જ રાખ્યું છે. બિડેન અમેરિકાની ચૂંટણીમાં વિજેતા બન્યા તે પછી નેતાન્યાહૂએ એવું નિવેદન આપ્યું હતું કે બિડેને ટ્રમ્પના ઈરાન તરફના  વલણને વળગી રહેવું જોઈએ. એ અમેરિકાના હિતમાં રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here