આ ચૂંટણીમાં તેજસ્વી એક એવા નેતા છે, જેમને તમે પસંદ કરો કે ના કરો, પણ નજરઅંદાજ નહીં કરી શકો

0
47

મહાગઠબંધને આ વખતે તેજસ્વી યાદવને CMપદના ઉમેદવાર બનાવ્યા છે.

  • RJD તરફથી બનાવવામાં આવેલા દરેક પોસ્ટરમાં તેજસ્વી, દરેક ગીતમાં તેજસ્વી અને દરેક ચર્ચામાં કેન્દ્રમાં તેજસ્વી જ રહ્યા
  • તેજસ્વીના મોટા ભાગના સમર્થક યાદવ અને મુસ્લિમ જાતિમાંથી છે, બિહારના સવર્ણ અને અન્ય જાતિઓમાં ટીકાકાર વધુ છે

બિહાર વિધાનસભા ચૂંટણી પૂરી થઈ ચૂકી છે. જનતાનો નિર્ણય EVMમાં કેદ થઈ ચૂક્યો છે. 10 નવેમ્બરે પરિણામ આવી જશે. આ દિવસે ખબર પડી જશે કે બિહારની જનતાએ ‘તેજ ગતિ તેજસ્વી’ને પસંદ કર્યા છે કે પછી ‘એકવાર ફરી નીતીશ કુમાર’ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ પહેલાં જે છે એ અંદાજ છે. અટકળો છે. ચૂંટણીપંડિતોનો ગુણાકાર-ભાગકાર છે, પણ આ ચૂંટણી સાથે જોડાયેલી એક તસવીર પરિણામ આવતાં પહેલાં સ્પષ્ટ થઈ ચૂકી છે.

RCJD નેતા અને બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ આ ચૂંટણીમાં એક નવા રૂપમાં જોવા મળ્યા છે. 2019માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં સુસ્ત પડેલા તેજસ્વી આ વખતે અહીંથી ત્યાં દોડતા જોવા મળ્યા હતા. તેમણે એક દિવસમાં 19-19 ચૂંટણી સભાઓ કરી હતી.

જે બિહારમાં કહેવામાં આવતું હતું કે ‘જબ તક રહેગા સમોસામેં આલૂ, તબ તક રહેગા બિહારમાં લાલુ’એ બિહારમાંથી લાલુ પ્રસાદ યાદવને ગુમ કરી દેવાયા હતા. RJD તરફથી બનાવવામાં આવેલા દરેક પોસ્ટરમાંર તેજસ્વી, દરેક ગીતમાં તેજસ્વી અને દરેક ચર્ચામાં કેન્દ્રમાં તેજસ્વી.

31 વર્ષના તેજસ્વી એક બાજુ અને બીજી બાજુ નીતીશ કુમાર, સુશીલ મોદી અને નરેન્દ્ર મોદી સહિત અન્ય ઘણા દિગ્ગજ અને અનુભવી નેતા હતા, પણ ખાસ એ રહ્યું કે આખાય ચૂંટણીપ્રચારમાં NDAના નેતાઓ તેજસ્વી યાદવ દ્વારા નક્કી કરવામાં આવેલા મુદ્દાની ચર્ચા કરતા રહ્યા અથવા લાલુ-રાબડી શાસનકાળ અંગે પ્રહાર કરતા રહ્યા.

આ જ કારણોથી આ ચૂંટણીમાં તેજસ્વી યાદવ માત્ર એજન્ડા સેટર અને ઊભરતા નેતા તરીકે જોવા મળ્યા. આ ચૂંટણીમાં બે યુવાન ચહેરા તેજસ્વી અને ચિરાગ છે. બન્નેના હાથમાં પોતપોતાની પાર્ટીની કમાન છે.

વોટ આપ્યા પછી માતા સાથે તેજસ્વી યાદવ.

ચિરાગ પાસવાન પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વર્ગીય રામવિલાસ પાસવાનના દીકરા છે તો તેજસ્વી બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવ અને રાબડી દેવીના નાના દીકરા છે. આ તમામ સમાનતાઓ છતાં લોકપ્રિયતામાં તેજસ્વીની તુલનામાં ચિરાગ ઘણા પાછળ છે.

તેજસ્વી યાદવ આ ચૂંટણીમાં બિહારના લગભગ દરેક વિસ્તારમાં પહોંચી ગયા છે. તેજસ્વીના સમર્થક આક્રમક રીતે તેમનું સમર્થન કરતા જોવા મળ્યા, તેમના વિરોધીઓએ એટલી જ કડક ટીકા કરી. આ ચૂંટણીમાં તેજસ્વી બિહારના એવા નેતા છે, જેમને તમે પસંદ કરો કે ન કરો, પણ તેમને નજરઅંદાજ નહીં કરી શકો.

આરા જિલ્લાના જગદીશપુર વિધાનસભા ક્ષેત્રમાં આવતા દુલ્હિન ગંજમાં પાનની દુકાન પર બેઠેલા 22 વર્ષીય બબલુથી માંડી સમસ્તીપુરના હસનપુર વિધાનસભા સીટના 70 વર્ષીય વોટર બુલો યાદવ સુધીમાં તેજસ્વીની નામનો ક્રેઝ જોવા મળ્યો.

બબલુ યુવા છે અને તેને તેજસ્વીનો દસ લાખ રોજગારવાળો વાયદો સૌથી વધુ આકર્ષિત કરી રહ્યો છે. તેણે કહ્યું, નવી પેઢીના છે, સારા લાગે છે, નોકરી માટે પણ કહી રહ્યા છે. હવે મારો મત તેજસ્વીને સીએમ બનાવવા માટે છે. જેવી રીતે 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં મતદાતાઓનો એક મોટો વર્ગ નરેન્દ્ર મોદીને પીએમ બનાવવા માટે વોટ કરી રહ્યો હતો. તે સ્થાનિક ઉમેદવારની જેમ જોતા જ ન હતા. પૂછ્યું તો જણાવ્યું કે નરેન્દ્ર મોદીને PM બનાવવાના છે.

બસ, એવી જ રીતે આ વિધાનસભા ચૂંટણીમાં તેજસ્વી માટે લોકોએ મત આપ્યો છે. આ વાત ખોટી છે કે આ આકર્ષણનો એક જાતીય આધાર પણ ગ્રાઉન્ડ પર સ્પષ્ટ જોવા મળ્યો. યાદવ અને મુસ્લિમ મતદાતા સૌથી વધુ તેજસ્વીના સમર્થનમાં જોવા મળ્યા. બુલો યાદવે જણાવ્યું હતું કે નવો છોકરો છે. આ વખતે તેને મત આપીને જોઈએ છીએ. સારું કામ નહીં કરે તો આવતી વખતે ખુરશી પરથી ઉતારી દેશું.

RJDએ 2015ની ચૂંટણી નીતીશના નેતૃત્વમાં લડી હતી, પણ આ વખતે તેજસ્વી યાદવ સીએમનો ફેસ રહ્યા.

તો આ તરફ બિહારના બીજા યુવા નેતા ચિરાગ પાસવાનને બિહારમાં ઘણી જગ્યાઓ પર પરિચયની પણ જરૂર પડી રહી છે. હાલ પણ ચિરાગને તેમના સ્વર્ગીય પિતા રામવિલાસ પાસવાનની જરૂર છે, જ્યારે તેજસ્વી આ પરિચયમાંથી બહાર આવી ચૂક્યા છે. અહીં એક વાત જણાવવી જરૂરી છે કે તેજસ્વી યાદવના મોટા ભાગના સમર્થક યાદવ અને મુસ્લિમ જાતિમાંથી આવે છે. બિહારના સવર્ણ અને અન્ય જાતિઓમાં તેમના ટીકાકાર વધું છે.

દરભંગાના એક સહની બહુમતીવાળા ગામ જયંતીપુરમાં પહોંચતાં પહોંચતાં રાત પડી ગઈ છે. ત્યાં યુવાનોનું એક જૂથ મોબાઈલ પર ગીતો સાંભળી રહ્યું છે. વૃદ્ધ ખુરશી પર બેસીને વાતો કરી રહ્યા છે. અહીં અમારી મુલાકાત સ્વતંત્ર કુમાર સહની સાથે થઈ.

તેજસ્વી વિશે કહેતાં તેણે જણાવ્યું હતું કે તેમણે હજુ મહેનત કરવી પડશે. શું ગેરંટી છે કે તેમના સત્તામાં આવતાંની સાથે જ ફરી એકવાર બિહારમાં એક જાતિનો વિશેષ કબજો ન થઈ જાય અને રહી વાત રોજગારની તો એ જરૂરી છે, પણ સૌથી જરૂરી છે, કાયદાનું રાજ. જો એ કાયમ રહેશે તો અમારા જેવા બે પૈસા કમાઈ શકશે.

બીજી એક વાત આ વખતે ચૂંટણીમાં જોવા મળી, એ છે બિહારમાં જાતિના આધારે મતદાન અથવા રાજકારણ કોઈ નવી વાત નથી. આવું તો થતું જ રહે છે. બિહારના રાજકારણમાં કર્પૂરી ઠાકુર અને લાલુ યાદવના આવતા પહેલાં સુધી ભૂમિહાર, બ્રાહ્મણ અને રાજપૂતનો કબજો હતો. રાજકારણ તેમના કહ્યા પ્રમાણે થતું હતું.

જ્યારે લાલુ આવ્યા તો બિહારમાં ‘અગડા બનામ પિછડા’ની લડાઈ શરૂ થઈ. વચ્ચેની ઘણી ચૂંટણીમાં જાતિના આધારે વોટિંગ કરવામાં થોડોક ઘટાડો થયો હતો પણ આ બિહાર વિધાનસભા ચૂંટણીમાં વોટિંગનો આજ એક માત્ર આધાર લાગી રહ્યો છે.

આ વખતની વિધાનસભા ચૂંટણીમાં તેજસ્વી યાદવે જોરદાર ચૂંટણીપ્રચાર કર્યો. એક દિવસમાં 19-19 રેલી કરી.

ચૂંટણી મુદ્દાઓ રેલીઓમાં અથવા કેમેરામાં આગળ આવતી ચૂંટણી ચર્ચા સુધીમાં સમેટાઈને રહી ગયા. યાદવોના એક મોટા વર્ગે RJD માટે વોટિંગ કર્યું છે. મુસ્લિમોએ ભાજપને અટકાવવા માટે પોતાનો વોટ આપ્યો છે.

સહની, કોર્ઈરી, કુર્મી, મંડળ અથવા દલિતોના એક વર્ગે તેમની જાતિના ઉમેદવારોને ધ્યાનમાં રાખતા મતદાન કર્યું છે. આ જાતિઓના બાકીના મતદાતાઓએ એ બીકને સાચી માનીને મત આપ્યો, જેને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર, નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદી અને પીએમ મોદી પોતે પોતાની ચૂંટણી સભાઓમાં વારંવાર વેગ આપતા હતા.

ચૂંટણીનું અંતિમ પરિણામ તો 10 નવેમ્બરે ખબર પડી જ જશે. આ દિવસે બપોર થતાં થતાં સ્પષ્ટ થઈ જશે કે બિહારની જનતાએ કોને મુખ્યમંત્રી બનાવ્યા છે અને કોને વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે પસંદ કર્યા છે. એ શક્ય છે કે જો કોઈપણ ગઠબંધનને સરકાર બનાવવા માટે જરૂરી ધારાસભ્ય નહીં મળે તો અસલ રાજકીય રમત પરિણામ પછી જ શરૂ થશે. થવામાં તો કંઈપણ થઈ શકે છે, પણ જે થઈ ચૂક્યું છે તે એ છે કે આ ચૂંટણીથી તેજસ્વી યાદવ એક મજબૂત વિકલ્પ તરીકે ઊભર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here