આટલું બદલવાની જરૂર છે

0
189

– ભાગલાની હદઃ ધર્મો લડે છે, જ્ઞાાતિઓ લડે છે, બે ભાઈઓ લડે છે, એક માણસના ટુકડા પણ અંદર-અંદર લડે છેે

– પોલિટિશિયનો વોટબેન્કના ગુલામ છે, પોલિસ નેતાઓની, આ રીતે પોલીસ પણ વોટબેન્કની ગુલામી કરવા માંડે છે

– આપણને બધું એક્સ્ટ્રીમ જોઈએ છેઃ એન્કાઉન્ટર, ચોગ્ગા-છગ્ગા, તેજાબી લેખન, તીખું શાક, ડંફાસબાજ નેતા

પરિવર્તનનો અર્થ ખાલી પરિવર્તન નથી થતો. વિકસવું પણ થાય છે. પ્રકૃતિ આ માટે જે પ્રોસેસ કરે છે તેને નેચરલ સીલેક્શન કહે છે. નેચરલ સીલેક્શનની આ પ્રક્રિયા થકી જે બદલાવ આવે છે તે હંમેશા પોઝિટીવ હોય છે. ઉત્ક્રાંતિએ કાયમ જીવોને બહેતર બનાવવાનું જ કામ કર્યું છે.

ક્યારેય કોઈ માણસને વાંદરો કે વાંદરાને અમીબા બની જતો જોવામાં આવ્યો નથી. એક આપણે જ છીએ કે બદલાઈએ તો છીએ, પણ ઇમ્પ્રુવ થતા નથી. ક્યારેક તો જેમ-જેમ બદલાઈએ તેમ વધારે પાછા પડતા જઈએ છીએ. હાથરસમાં બનેલો રેપકાંડ આપણને આ વિશે વિચારવા પ્રેરે છે.

૧) હાથરસમાં રેપનો બનાવ બન્યા પછી એ જ ગામમાં ઘણા બધાના ઇન્ટરવ્યૂ લેવાયા તેમાં જોવામાં આવ્યું કે ઉચ્ચ જ્ઞાાતિના લોકોમાં આ બનાવ પ્રત્યે કોઈ પ્રકારની સંવેદનશીલતા નથી. લાગણીના તળ ભૂગર્ભજળ કરતા પણ નીચે જતા રહ્યા છે. એક જ્ઞાાતિના લોકો બીજી જ્ઞાાતિના લોકો માટે ઘસાતા શબ્દો વાપરે.

એક જ્ઞાાતિની વ્યક્તિ રેપિસ્ટ હોઈ શકે અને એ જ જ્ઞાાતિની બીજી વ્યક્તિ સંત હોઈ શકે. તમે એક જ્ઞાાતિના બધા લોકો માટે એક જ અભિપ્રાય કેવી રીતે રાખી શકો? કમનસીબે ઇન્ટરવ્યૂ આપનારાને આવી સામાન્ય સમજ સાથે દૂરનો પણ નાતો નથી. તેઓ જેમ-તેમ બોલતા રહે છે. રેપ જેવી ઘટનાની પણ અમાન્યા રાખવા તૈયાર નથી. 

પોલીસ એક જ્ઞાાતિના ઘરે જમે છે અને તેમની ખુલ્લંખુલ્લા ફેવર કરે છે. જ્ઞાાતિના સભ્યોની મીટિંગ મળે છે અને આરોપીઓ ખોટી રીતે ફસાયા હોવાની વાત કરી તેમને બચાવવાનું નક્કી કરે છે. કોર્ટ કશું કરે એ પહેલા જ ઉત્તર પ્રદેશની પવિત્ર ભૂમિ પર આ બધી લીલા ચાલી રહી છે. આ બદલવું જોઈએ.

આ રીતે આપણે અમેરિકા, જાપાન કે ચીનને મેચ કરી શકીશું? યુપીની ઇકોનોમીને એક ટ્રિલિયન ડોલરની બનાવવાની યોગી આદિત્યનાથની આ કોઈ નવી જ ફોર્મ્યુલા લાગે છે. આ બધું બંધ કરવું હોય તો જ્ઞાાતિ સંગઠનો પ્રતિબંધિત કરવા પડે, જાહેરમાં જ્ઞાાતિગત ઓળખ આપવા પર પ્રતિબંધ મૂકવો પડે. તેના માટે જે હિંમત જોઈએ તે દાખવનારી નેતાગીરી છેલ્લા ૭૦ વર્ષમાં ક્યારેય પાકી નથી.

૨) ધારો કે એક વ્યક્તિનું બાઇક ચોરી થઈ ગયું. તે પોલીસ સ્ટેશને આ વિશે ફરિયાદ નોંધાવા જશે તો પોલીસને આ મામલાની એટલી ગંભીરતા નહીં હોય. કારણ કે બાઇક ચોરીનો ગુનો ૧૦ લાખના દાગીનાની ચોરી કરતા નાનો છે. કારણ કે બાઇક ચોરીનો ગુનો મર્ડર કરતા નાનો છે. એવો જ અભિગમ મીડિયા અને પબ્લિકનો પણ હોય છે.

જેની સાથે ઘટના ઘટી છે એના માટે એ નાની ઘટના પણ મોટી હોય છે. જેની સાથે ઘટના નથી ઘટી એને રેપ કે હત્યા જેવા મોટા બનાવ પણ એક હદથી તો મોટા નથી જ લાગતા. રોજ કેટલા રેપ થાય છે, રોજ કેટલી હત્યા થાય છે એવું બહાનું કાઢીને આપણે યુઝ્ડ ટુ થઈ જઈએ છીએ. સ્મશાનમાં નોકરી કરનારાને તો સ્મશાન વૈરાગ્ય પણ આવતું નથી.

કોઈ પણ જાહેરાતને તેના યોગ્ય ગ્રાહક સુધી પહોંચાડી શકવાનું અલ્ગોરિધમ આપણી પાસે છે, લોકોનું મન પારખી લઈ તે પ્રમાણેની પ્રોડક્ટ બજારમાં મૂકવાનું સાયન્ટિફિક રીસર્ચ આધારિત વલણ આપણી પાસે છે, પણ આવું અપરાધ કંટ્રોલ કરવા, માનવીય વૃત્તિઓ બદલવી, માણસને બહેતર બનાવવો વગેરે બાબતમાં આપણી પાસે કોઈ વૈજ્ઞાાનિક અભિગમ નથી. રેપ શા માટે થાય છે એના સાયન્ટિફિક અભ્યાસ ઓછા થાય છે. અને જેટલા થાય છે તેની ચર્ચા આપણા સમાજમાં થતી જ નથી. 

કોઈ જ્ઞાાતિ મંડળે આ વિષય પર વર્કશોપ યોજ્યા? કોઈ કાસ્ટ સ્વીકારશે નહીં કે તેમના સમાજનો છોકરો હત્યા, ચોરી કે રેપ કરી શકે. એકેય જ્ઞાાતિનો છોકરો હત્યા, ચોરી કે દૂષ્કર્મ કરતો નથી તો આખરે આ બધું કરે છે કોણ? એલિયન? જ્ઞાાતિ મંડળો પાસે અપેક્ષા એટલા માટે રાખવામાં આવે છે કેમ કે તેઓ સમાજનો ઠેકો લઈને બેઠા છે. કોઈ છોકરો બોર્ડમાં ફર્સ્ટ આવે કે તરત ફલાણી જ્ઞાાતિનું ગૌરવ એવા ફોટા અખબારમાં છપાવવા પહોંચી જાય છે. તો પછી ગુનાખોરી અટકાવવા માટે જરૂરી સામાજિક સુધારાઓ લાવવામાં કેમ પાછળ રહે?

જેવી રીતે આપણે મેડિકલની બાબતમાં, બિઝનેસની બાબતમાં સાયન્ટિફિક સ્ટડી કરીને તેને અપનાવતા થયા છીએ તેવું જ  સમાજની બાબતમાં પણ કરવું પડશે. માણસની વૃત્તિ, માણસની અંદર રહેલા દુર્ગુણો, તેમાંથી જન્મતા અપરાધ, તેને અટકાવવા માટે જરૂરી પગલાં આ બધું સાયન્ટિફિક સ્ટડીના આધારે સુધારવામાં આવે તો જ રેપ કે બીજા ગુના અટકાવી શકાશે. 

ઘણી બધી આદિવાસી સંસ્કૃતિઓ એવી છે જેમાં રેપ થતા નથી. એવું શામાટે તેનો સ્ટડી કરીને સભ્ય સમાજને લેસન આપવા જોઈએ. જે સારું છે એ તો ગમે ત્યાંથી શીખી શકાય તો આપણા આદિમ ભાઈ-બહેનોમાંથી શા માટે નહીં? દસે દિશાઓમાંથી મને શુભ વિચારો પ્રાપ્ત થાઓ.

૩) એન્કાઉન્ટર લોક રંજન છે. સોલ્યુશન નથી. ટૂંકાગાળાની રાહત છે, પેઇન કિલર છે. કાયમી ઈલાજ નથી. જે દેશમાં અતિશય ક્રૂર સજા કરવામાં આવે છે ત્યાંય રેપ થાય જ છે. ત્યાં હત્યાઓ અટકતી નથી. કડક સજાથી ક્યારેય પરિણામ મળતા નથી. કારણ કે કોઈ અપરાધી બીજા અપરાધી સાથે શું થયું હતું તેની અપડેટ લઈને ચાલતો નથી. નિર્ભયા કાંડના દોષિતોની હાલત જેલવાસ દરમિયાન મોત કરતા પણ વધારે ખરાબ હતી.

એ વિશે કેટલા ગુનેગારોએ અપડેટ રાખી? એ પછી રેપમાં કેટલો ઘટાડો થયો? લગીરે નહીં. ગુનાખોરી ઘટાડવી હોય તો સામાજિક સુધારા લાવવા પડે. શૈક્ષણિક અભિયાન ચલાવવા પડે. આ બધામાં જ્ઞાાતિગત સંગઠનો, સામાજિક સંગઠનોની મદદ લેવી પડે. છે પોસિબલ? ગાંધીજી એવા શીર્ષક સાથે લેખ લખતા કે બળાત્કાર થાય ત્યારે શું કરવું? આજે આપણે આવું લખતા શરમાઈએ છીએ, ચર્ચા કરતા સંકોચ પામીએ છીએ. એટલે આપણે ચીજોને બદલી નથી શકતા. સેંકડો એન્કાઉન્ટર કર્યા પછી પણ.

એન્કાઉન્ટર દુઃખે છે પેટ અને કૂટે છે માથું એના જેવી પ્રોસેસ છે. તેનાથી સુધાર નથી આવવાનો. આપણે બીજી ઓક્ટોબર મનાવીને રાજી છીએ, પણ ગાંધીજી જે નિસ્બતથી સમાજ ચિંતન કરતા, સામાજિક જાગૃતિ લાવવાની કોશિશ કરતા એ કમિટમેન્ટનો આપણામાં અભાવ છે.

આપણે એક્સ્ટ્રીમના આદિ છીએ. ચોગ્ગા-છગ્ગા મારે એવો બેટ્સમેન ગમે, મોટા-મોટા ફાંકાં મારે એવો નેતા ગમે, તેજાબી લખે એવો લેખક ગમે, તીખું-તમતમતું જમવાનું ગમે, એન્કાઉન્ટરને કાયદેસરતા આપે એવો ન્યાય ગમે. આવી અંતિમતા સાથે ક્યારેય આપણે ઇચ્છિત દુનિયાનું સર્જન કરી શકીએ નહીં. માથું દુઃખતું હોય અને પેટની દવા લો તો ક્યાંથી ફરક પડવાનો?

૪) જે સ્ત્રી રેપનો ભોગ બની છે તેનું નામ છુપાવવામાં આવે છે, તે ઉપરછલ્લો દેખાવ છે. અંદરખાને બધાને નિર્ભયાનું સાચું નામ ખબર હોય છે. એ છોકરી અપરિણીત હોય તો હવે તેના લગ્ન લગભગ અસંભવ બની જાય છે. તેની સાથે મેરેજ ન કરી, તેને સાઇડલાઇન કરી તેની સાથે એક બીજો જ રેપ કરવામાં આવે છે. એવો રેપ જે ક્યાંય સાબિત થઈ શકતો નથી. 

તેના પર દૂષ્કર્મ થયાની તેને સજા કરવામાં આવે છે. કેમ? જે વ્યક્તિ પર બળાત્કાર થયો છે તેને કેરની, હૂંફની, પ્રેમની, મદદની જરૂર હોય છે. ન કે ધુત્કાર, ઘૃણા, ત્રાંસી નજર, ખરાબ કોમેન્ટ, અપમાન કે ભેદભાવની. જે છોકરી પર રેપ થાય તેના ભાઇ-બહેનના મેરેજમાંય તકલીફ પડતી હોય છે. તો આપણો સમાજ પણ રેપિસ્ટ ન થયો? કરવું જ હોય તો આવા સમાજનું જ એન્કાઉન્ટર કરી નાખવું જોઈએ. 

ઘણી વખત થાય છે કે કોરોના આવ્યો તે સારું થયું. કમસેકમ એ બહાને તો જ્ઞાાતિના સંગઠનો મળતા બંધ થયા. આ સંગઠનોએ સમાજને વિભાજિત કરવા સિવાય, એકબીજાની કૂથલી કરવા સિવાય કોઈ કામ કર્યું નથી.જેને દવાની જરૂર હોય તેને આપણે ઘાવ આપે એવો સમાજ વિખેરાઈ જાય તે જ સારું છે. 

૪) પોલીસ સ્ટેટ ગવર્નમેન્ટને વફાદાર છે. સીબીઆઈ સેન્ટ્રલ ગવર્નમેન્ટને. આપણી અફસરશાહી ઇન્ડિપેન્ડેન્ટ કેમ નથી? એક ફોરેન્સિક લેબોરેટરી જુદો રીપોર્ટ આપે, બીજી જુદો આપે તો બેમાંથી જેને ભૂલ કરી એને સજા કેમ નથી અપાતી? આ બધા મુદ્દા બોલીવુડમાં ડ્રગ્સના ચલણ કરતા વધારે મહત્ત્વના છે.

પોલિટિશિયનો તેમની વોટબેન્કથી દોરવાય છે. પોલીસ પોલિટિશિયનોથી દોરવાય છે તો પછી ન્યાય કેવી રીતે થવાનો? રાજકીય પક્ષો પાસે ચૂંટણી ઢંઢેરામાં પોલીસ અને સીબીઆઈને રાજકીય દોરીસંચારથી મુક્ત કરવાનું વચન માગીએ એટલા જાગૃત નાગરિક બનાવાને હજી આપણે એક હજાર વર્ષની વાર છે.

૫) પૈસાદારની દીકરી પર થયો તો મોટો બળાત્કાર, ગરીબની દીકરી પર થયો તો નાનો, સીજી રોડ કે કાલાવાડ રોડ પર થયો તો મોટો ગુનો, થોરાડા કે ઉલ્હાસ નગરમાં થયો તો નાનો, સવર્ણ દીકરી પર બળાત્કાર થયો તો મોટો, દલિત પર થયો તો નાનો, પરપ્રાંતિય મહિલા પર દૂષ્કર્મ થયું તો એના કરતા પણ ઓછું મહત્ત્વ, આવી આપણી માનસિકતા નિદાન કરે છે કે આપણે પોતે ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છીએ, જેની સારવાર વર્ષોથી અપેક્ષિત છે, પરંતુ ઉપેક્ષિત છે. હ્યુમન ઇઝ હ્યુમન, હુએવર હી ઓર શી ઇઝ એવી સામાન્ય સમજ સુધી પહોંચવાને હજુ એક હજાર વર્ષની વાર છે.

કોમવાદ અને જ્ઞાાતિવાદ જ આપણને આવા ટુકડા શીખવી રહ્યો છે. હિંદુ-મુસ્લિમ લડે છે. શિયા-સુન્ની-અહેમદિયા લડે છે. હિંદુમાં દલિત-સવર્ણ લડે છે. બિન દલિતોમાં બધી જ્ઞાાતિઓ અંદરો-અંદર પોતાને ઊંચા ગણવાની હોડમાં છે. એક જ્ઞાાતિની અંદરની પેટા જ્ઞાાતિઓ લડે છે, ત્યાં સુધી કે એક ઘરમાં બે ભાઈઓ લડે છે. દરેક સ્તર પરની આ લડતે એક માણસના સેંકડો ટુકડા કરી નાખ્યા છે. એક જ માણસનો એક ટુકડો બીજા સાથે લડી રહ્યો છે. હાથ પગને સ્વીકારવા તૈયાર નથી, પગ જીભના વિરોધમાં ઊતરી પડયા છે.

માણસને રીસ્ટ્રક્ચર કરવાની જરૂર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here