આખરે શિક્ષક-શિક્ષકેત્તર કર્મચારીઓને મુંબઈ લોકલમાં પ્રવાસની પરવાનગી મળી

0
68

જોકે સામાન્ય નાગરિકો માટે લોકલના દરવાજા હજી બંધ

આખરે શિક્ષક-શિક્ષકેત્તર કર્મચારીઓને મુંબઈ લોકલમાં પ્રવાસ કરવાની પરવાનગી મળી ગઈ છે. રાજ્ય સરકાર દ્વારા મોકલાયેલ પ્રસ્તાવને પશ્ચિમ અને મધ્ય રેલવેએ આજે મંજૂર કર્યા છે. આથી તત્કાળ પ્રભાવથી શિક્ષક-શિક્ષકેત્તર કર્મચારીઓ માટે લોકલના દરવાજા ઉઘડયા છે.

રાજ્યમાં ૨૩ નવેમ્બરથી નવમાથી બારમાના ક્લાસ શરુ થઈ રહ્યાં છે. આથી શિક્ષકો તેમજ સ્કૂલના અન્ય કર્મચારીઓને પ્રવાસની સમસ્યા થાય નહીં તે માટે રાજ્ય સરકાર દ્વારા પશ્ચિમ તેમજ મધ્ય રેલવેને પત્ર લખવામાં આવ્યો હતો. જોકે સરકારનો પત્ર મોડો મળ્યો એવું રેલવે દ્વારા કહેવામાં આવતાં રાજ્ય સરકાર અને રેલવે વચ્ચે વિવાદ સર્જાયો હતો જેના પર આજે પૂર્ણવિરામ મૂકાયું છે.

રાજ્ય સરકારની વિનંતીને માન્ય કરી ૧૧ નવેમ્બરના રોજ મધ્ય અને પશ્ચિમ રેલવે દ્વારા આ બાબતે રેલવે બોર્ડને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવને આજે મંજૂરી આપવામાં આવી છે. તે અનુસાર હવે ઉપનગરીય માર્ગે દોડતી વિશેષ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની પરવાનગી મુંબઈ મહાનગર વિસ્તારમાં રહેતાં તમામ શિક્ષક-શિક્ષકેત્તર કર્મચારીઓને અપાઈ છે. આ તમામે રેલવે સ્ટેશનમાં પ્રવેશ કરતી વખતે અધિકૃત ઓળખપત્ર દાખવવું ફરજિયાત છે.

આ પૂર્વે સરકારી કર્મચારી, કોર્ટમાં કામ કરતાં વકીલો અને કર્મચારીઓને તથા મહિલાઓને લોકલમાં પ્રવાસની પરવાનગી આપવામાં આવી છે. હવે શિક્ષક-શિક્ષકેત્તર કર્મચારીઓને પણ લોકલ પ્રવાસની પરવાનગી મળી ગઈ છે. પરંતુ સામાન્ય લોકો માટે લોકલ ક્યારે શરુ થશે તે બાબતે હજી કોઈ સ્પષ્ટતા ન હોવાથી સામાન્ય નાગરિકોની પ્રવાસ બાબતની મૂંઝવણનો વણઉકેલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here