ભારતના ઐતિહાસિક યુધ્ધ જહાજ આઇએનએસ વિરાટ સતત પ્રચાર-પ્રસાર માધ્યમોના કેન્દ્રમાં રહ્યું છે. ભાંગવા માટે જહાજ વેચી દીધા બાદ પણ સતત પ્રકાશમાં આવેલા વિરાટને મ્યૂઝિયમમાં તબદીલ કરવા માટેની અરજ કેન્દ્રીય રક્ષા મંત્રાલયે ફગાવી દેતા હવે તમામ અટકળો પર પૂર્ણવિરામ લાગી ગયુ છે, અને વિરાટને ભાંગવાની કામગીરી આગામી સમયમાં શરૂ થશે. અલંગ શિપબ્રેકિંગ યાર્ડના પ્લોટ નં.9માં 28મી સપ્ટેમ્બરના રોજ બીચ થયેલા વિરાટને મ્યૂઝિયમમાં તબદીલ કરવા માટે મુંબઇની એનવીટેક મરિન કન્સલટન્ટ પ્રા.લિ. દ્વારા મુંબઇ હાઇકોર્ટમાં રીટ પીટીશન દાખલ કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા પીટીશનનો નીકાલ કરતા જણાવ્યુ હતુ કે, અરજદાર અને અંતિમ ખરીદનાર રાજી હોય તો અમને કોઇ વાંધો નથી, જરૂરી સરકારી પરવાનગીઓ લઇ જહાજનો નિર્ણય લઇ શકાય.
સરકારી પ્રકિયા બાદ તોડવાની શરૂઆત થશે
પીટીશનકર્તા દ્વારા કેન્દ્રીય રક્ષા મંત્રાલય સમક્ષ વિરાટને મ્યૂઝિયમમાં તબદીલ કરવા માટે અને તેને અલંગમાંથી પરત લઇ જવા માટેની મંજૂરીઓ માંગી હતી. આઝાદીકાળ પહેલા આ જહાજના નિર્માણની શરૂઆત થઇ હતી, અને તેની સલામતીને ધ્યાનમાં રાખીને અરજકર્તાને ના-વાંધા પ્રમાણપત્ર ફાળવવાની માંગનો સ્વીકાર કરી શકાય નહીં, અને અરજદારની માંગ નકારવામાં આવી છે.વિરાટ હજુ પણ પ્લોટથી દૂર છે અને હાઇ ટાઇડ દરમિયાન તેને પ્લોટની નજીક લાવવાની પ્રક્રિયાઓ કરવામાં આવશે. બાકી રહેતી સરકારી પ્રક્રિયાઓ બાદ વિરાટને તોડવાની શરૂઆત થશે.
જહાજ પ્લોટમાં ખેંચી ભાંગવામાં આવશે
વિરાટ હજુ અલંગમાં અમારા શિપબ્રેકિંગપ્લોટથી થોડુ દૂર છે. મોટી ભરતી દરમિયાન જહાજને ખેંચવામાં આવશે. ત્યારબાદ જે કોઇ સરકારી પ્રક્રિયાઓ હશે તેને અનુસર્યા બાદ ભાંગવાની શરૂઆત કરવામાં આવશે. -મુકેશ પટેલ, ચેરમેન, શ્રી રામ ગ્રુપ, શિપબ્રેકર્સ
એક વર્ષથી વિરાટ ચર્ચાઓની વચ્ચે રહે છે
ડિસેમ્બર-2019માં પ્રથમ વખત વિરાટને ભાંગવા માટે વેચવાની તૈયારીઓ થઇ અને ઓનલાઇન ઓક્શન થયું. શ્રીરામ ગ્રુપ દ્વારા તે સમયે સૌથી વધુ રકમની બીડ કરી અને જહાજ માટે રસ દાખવ્યો હતો. બાદમાં સરકાર દ્વારા આ જહાજની કિંમત ઓછી આવી રહી હોવાનું કહી હરાજી રદ્દ કરી નાંખી હતી. બાદમાં ફરી એક વખત ઓનલાઇન હરાજી કરવામાં આવી હતી અને શ્રીરામગ્રુપની 38 કરોડની બીડ વધુ એક વખત સૌથી વધુ રહી. બીચ થયા બાદ મ્યૂઝિયમ બનાવવા માટે માંગ થઇ, કોર્ટમાં ગયા, કોર્ટે સરકારના પક્ષમાં દડો નાંખ્યો, છેલ્લે રક્ષા મંત્રાલયે એનઓસી આપવાની ના કહી છે.