– ચોક્કસ દૈનિકે શાહરુખ, રણબીર અને અર્જુન રામપાલનાં નામ પ્રગટ કર્યાં
મુંબઇ તા.1 નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનબીસી)એ એવી સ્પષ્ટતા કરી હતી કે અમે બોલિવૂડમાં ડ્રગના દૂષણ અંગે મિડિયાને કોઇ અભિનેતાનું નામ આપ્યું નથી. મિડિયામાં પ્રગટ થયેલાં નામો મિડિયાએ કલ્પી કાઢેલાં હતાં.
એક દૈનિક (ગુજરાત સમાચાર નહીં)એ આ સંદર્ભમાં શાહરુખ ખાન, રણબીર કપૂર, અર્જુન રામપાલ અને ડીનો મોરિયાનાં નામ ડ્રગ લેનારા કલાકારો તરીકે પ્રગટ કર્યા હતા. એના સંદર્ભમાં એનસીબીએ આ ખુલાસો કર્યો હતો. અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતના અકાળ અવસાનની તપાસમાં ડ્રગના દૂષણનો મુદ્દો ઉપસ્યો હતો અને બોલિવૂડની કેટલીક ટોચની અભિનેત્રીઓને એનસીબીએ પોતાની સમક્ષ બોલાવીને કલાકો સુધી પૂછપરછ કરી હતી. એ સમયે એવા અહેવાલ પ્રગટ થયા હતા કે અભિનેત્રીઓ પછી હવે ટોચના અભિનેતાઓનો વારો આવશે.
એ પ્રસંગે એક અખબારે એનસીબીના સૂત્રને ટાંકીને બોલિવૂડના બેતાજ બાદશાહ મનાતા શાહરુખ ખાન, રણબીર કપૂર, અર્જુન રામપાલ તથા ડીનો મોરિયાનાં નામ પ્રગટ કર્યાં હતાં એ સંદર્ભમાં એનસીબીએ આ ખુલાસો કર્યો હતો.
મંગળવારે એવા અહેવાલ પ્રગટ થયા હતા કે એક સમયે કરણ જોહરના ધર્મા પ્રોડક્શન સાથે સંકળાયેલા નિર્માતા ક્ષિતિજ શાહે ત્રણ ટોચના અભિનેતાનાં નામ આપ્યાં હતાં. આ ત્રણ અભિનેતાનાં નામ એસ આર અને એથી શરૂ થાય છે એવું આ અહેવાલમાં જણાવાયું હતું. એ નામધારી કલાકાર પોતે ડ્રગ લેવા ઉપરાતં બીજા જે કલાકારોને ડ્રગ જોઇતી હોય તેમને મેળવી આપતો હતો એવું આ રિપોર્ટમાં પ્રગટ થયું હતું.