અમરેલીના ખાંભા વિસ્તારના હોવાના મનાતા એક યુવાને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં સિંહ સાથે સેલ્ફી અને હાથમાં સાપ પકડીને અવનવા કરતબ કરતા હોવાની તસવીર પોસ્ટ કરતા વિવાદ સર્જાયો છે.
એક યુવાન દ્વારા પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોતે હાથમાં સાપ પકડતો હોવાની, ગળામાં સાપને લટકાવીને તેને મોઢાથી પકડી રાખીને કરતબો કરતો હોવાની, સાપ સાથે સૂતો હોવાની અને એક તસવીરમાં પોતે સિંહસાથે સૂતો હોવાની તસવીરો પોસ્ટ કરવામાં આવી હતી અને તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.
વન વિભાગના નિયમો મુજબ આ રીતે સિંહ સાથે સેલ્ફી લઈ શકાય નહીં તેમજ હાથમાં સાપ પકડીને આ રીતે પ્રદર્શન પણ કરી શકાય નહીં જેથી આ રીતે પોસ્ટ કરવામાં આવેલી તસવીરોના કારણે ભારે વિવાદ સર્જાયો છે. આ યુવાન અમરેલી જિલ્લામાં ખાંભા વિસ્તારમાં રહેતો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ અંગે પર્યાવરણપ્રેમી તખુભાઈ સાંડસુરે જણાવ્યું કે, આ રીતે સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે વારંવાર આ રીતે સિંહ સાથે કે સાપની ઉજવણી કરતી તસવીરો પાડીને મૂકવામાં આવે છે જે ગેરકાયદે છે અને આવા લોકો સામે વન વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવા માટે માંગણી કરવામાં આવી છે.